આ ઇસ્તિગ્ફારના 70 ભાગ છે જેને હર વખત પઢી શકાય છે, આ ઇસ્તિગ્ફારમાં ઘણા એવા ગુનાહોની માફી માંગવામાં આવી છે જે ગુનાહોની આપણને ખબર જ નથી અને તે ગુનાહો કરી રહ્યા છીએ, યા જે ગુનાહો છે તેને ગુનાહ સમજતા જ નથી, આ 70 ઇસ્તિગ્ફાર પછી જરૂર દિલમાં એહસાસ થશે કે આવા ગુનાહોથી પોતાને બચાવીએ, અને ગુનાહો કરવાથી જીંદગીની બરકતો ખતમ થઇ જાય છે, માટે પોતાને ગુનાહોથી બચાવીને દુનિયા અને આખેરતના લાભ હાસિલ કરતા રહીએ.
بِسْمِ الله ِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
અલ્લામા નુરી દારૂસ્સલામ નામની કિતાબમાં લખે છે કે “ ઈમામ અલી રઝા અ. પોતાના દાદાઓથી રિવાયત બયાન કરે છે કે ઈમામ હુસૈન અ. એ ફરમાવ્યું કે, હું એક વખત મારા પિતા ઈમામ અલી અ. પાસે બેઠો હતો તે દરમિયાન એક અરબ આવીને અરજ કરી, યા અમીરલ મોમેનીન! હું બાલબચ્ચા વાળો ગરીબ માણસ છું, જીંદગીમાં જેટલા ખર્ચની મને જરૂરત છે તે મારી પાસે નથી.
ઈમામ અલી અ. ફરમાવ્યું કે અય અરબ! શા માટે ઇસ્તિગ્ફાર (ખુદા પાસે ગુનાહોની માફી ચાહવી) નથી કરતો જેથી તારી હાલત સુધરી શકે, અરબે કહ્યું, અય મૌલા અમીરલ મોમેનીન ! ઇસ્તિગ્ફાર તો બહુ જ કરૂં છું પરંતુ મારી હાલતમાં કાંઈ પણ સુધારો થતો નથી.
ઈમામ અલી અ. ફરમાવ્યું, અય અરબ! કુરાને મજીદમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે કે.
فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كانَ غَفَّاراً (10- نوح)
‘મેં તેઓને કહ્યું કે પોતાના રબ પાસે ઇસ્તિગ્ફાર તલબ કરો, તે મોટો માફ કરનાર છે’.
આ આયતની તિલાવત પછી ઈમામે ફરમાવ્યું કે અમુક એવા કામો કે જેને કરવું ગુનાહ છે તેની તને ખબર નથી, તો જે ગુનાહો વિષે તું નથી જાણતો તેના માટે ઇસ્તિગ્ફાર કેવી રીતે કરીશ? માટે તારો ખુદા પાસે ઇસ્તિગ્ફાર કરવો અધૂરો છે, જો તું બધા ગુનાહોની માફી (ઇસ્તિગ્ફાર) નહિ માંગે તો તેની અસર કેવી રીતે થાય? ત્યાર પછી ઈમામ અલી અ. ફરમાવ્યું કે હું તને આ ઇસ્તિગ્ફારની તાલીમ આપું છું. સૂતી વખતે આ રીતે માફી માંગીશ તો જરૂર રોઝીમાં વધારો થશે, ઈમામે 70 ઇસ્તિગ્ફાર લખીને ગરીબ અરબને આપ્યા, પછી ફરીવાર ફરમાવ્યું કે રાત્રે સૂતા પહેલા આ રીતે માફી માંગજે અને (પોતાના ગુનાહોને યાદ કરીને) રડજે યા રોવા જેવો ચહેરો બનાવજે.
ઈમામ હુસૈન અ. ફરમાવે છે કે એક વરસ પછી તે માણસ ફરીથી મારા બાબા પાસે આવીને અરજ કરી કે યા અમીરલ મોમેનીન અ.! ખુદાએ મને બેહિસાબ નેઅમતો અને રોઝી આપી છે, ઊંટ અને ઘેટાં-બકરાં એટલા બધા થઇ ગયા છે કે મારા પાસે તેમને રાખવા માટે જગ્યા નથી.
ઈમામ અલી અ. ફરમાવ્યું કે અય અરબ! ખુદાની કસમ કે જે હઝરત મોહંમદ સ. ને નબુવ્વત અતા કરી છે, જે કોઈ બંદો ખુદાની બારગાહમાં આ રીતે ઇસ્તિગ્ફાર કરશે તો ખુદા તેનામાં બરકત અતા ફરમાવશે, ગુનાહોને માફ કરશે, હાજતો પૂરી કરશે, માલ અને ઔલાદમાં વધારો થશે.’’
70 ઇસ્તિગ્ફારનો ભાવાનુવાદ આપના હાથમાં મૌજુદ છે.
بِسْمِ الله ِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
1( અય અલ્લાહ! હું વખાણ કરૂ છું કે તારી મહેરબાનીથી તારા વખાણ કરવાની મને તૌફીક અતા કરી, બદ નિય્યત, અને કમજોર યકીનના લીધે હું કબૂલ કરૂં છું કે જેવો તું વખાણના લાયક છે એવા વખાણ કરવાની મારામાં તાકત નથી, અય અલ્લાહ! તું મારો સારો મઅબુદ અને પાલનહાર છે. હું તો ખરાબ પરવરીશ પામેલો છું, તું મારો સારો મૌલા છે, હું કેટલો ખરાબ બંદો છું? તું મારો સારો માલિક છે અને હું કેટલો ખરાબ ગુલામ છું? મેં તારા કેટલાય ગુનાહો કર્યા અને તું મને માફી આપી, કેટલાય ગુનાહો મારાથી થયા પરંતુ તું મને માફ કર્યો, મારાથી કેટલીયે ભૂલો થઇ પરંતુ તું તેના વિષે મારાથી સવાલ નથી કર્યો, મેં કેટલીયે ખરાબીઓને જાણી જોઈને અંજામ આપી પરંતુ તું દરેકને માફ કરી, કેટલીયે મારાથી ગફલતો થઇ પરંતુ તું તેનાથી આંખ બંધ કરી અને મારી ગફલતો વિષે કોઈ સવાલ ન કર્યો, મેં ગુનાહો કરીને મારા ઉપર ઝૂલ્મ કર્યો છે, હું ગુનાહોને કબૂલ કરૂં છું અને મારી ભૂલોનો ઈકરાર કરૂં છું, અય ગુનાહોને માફ કરનાર! તારી પાસે ગુનાહોની માફી ચાહું છું કે મારા ગુનાહો માફ કર, મારી ભૂલોને દરગુજર ફરમાવ, તું સારી રીતે (તૌબાને) કબૂલ કરનાર છે, એહલે તકવા અને માફ કરનાર છે.
2( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોથી કે જે ગુનાહો થકી મારામાં તાકત આવી, યા તારી નેઅમતો વાપરીને એ ગુનાહો કરવા માટે તાકતવર બન્યો, યા વધારે રોઝીના લીધે ગુનાહો કરવાની હિંમત કરી, યા તારી પરદાપોશીના લીધે મારા ગુનાહોને લોકોથી છૂપાવ્યા, યા ગુનાહોના ડરના લીધે જે મને મોહલત આપી હતી તેના ઉપર ભરોસો કર્યો, ગુનાહ વખતે મેં તારા ગઝબ કરતા તારા હિલ્મ (સહનશીલતા) ઉપર ભરોસો કર્યો, તારા કરમ અને માફીથી દિલ લગાવ્યું, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર. અય બહેતરીન માફ કરનાર.
3( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની જેનાથી તું નારાજ થાય, યા જેનાથી તારા અઝાબનો હકદાર બનું, યા જેની તું મનાઈ કરી છે તે તરફ આગળ વધ્યો હોઉં, યા જેનો હુકમ આપ્યો છે તેની નાફરમાની કરી હોઉં, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
4( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે તારા બંદાઓમાંથી કોઈને ફરેબ આપીને બૂરાઈ તરફ લઇ ગયો હોઉં, યા મારી ચાલાકીથી દગો આપ્યો હોઉં, જે તે જાણતો ન હતો તેને મેં બુરાઈઓ શીખવી, તેની બુરાઈની જાણકારી વિષે મેં આંખ બંધ કરી નાખી, જ્યારે કે હું જાણતો હતો કે કયામતના દિવસે મારા તેમજ બીજાના ગુનાહોના બોજ સાથે તારી બારગાહમાં પહોંચીસ, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર. અય બહેતરીન માફ કરનાર.
5( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુમરાહી તરફ લઇ જાય છે, અને હિદાયતના રસ્તાથી દૂર કરે છે, રોઝીને ઓછી અને બરકતને ખતમ કરે છે, એ ગુનાહોની માફી ચાહું છું કે (દિલ) થી તારી યાદને ભૂલાવી દે છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર. અય બહેતરીન માફ કરનાર.
6( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું એ તમામ ગુનાહોની કે રાત દિવસ જે ગુનાહો કરીને મારા શરીરને થકવી દીધું, પોતાને તારા બંદાઓમાં છૂપાવ્યો જ્યારે કે હિફાઝત કરનાર છૂપાવનાર તારા સિવાય બીજું કોઈ નથી, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
7( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું એ તમામ ગુનાહોની કે જેના લીધે દુશ્મન મારી બેઇઝ્ઝતી કરવા ચાહતો હતો પરંતુ તું મને દુશ્મનોના ફરેબથી બચાવ્યો, મારી બેઈઝ્ઝતી કરવા માટે તેમની મદદ ન કરી, જાણે કે હું તારો દોસ્ત છું એટલે તું મારી મદદ કરી છે, પરવરદિગાર! તારા ગુનાહ કર્યા હોય અને તું મોહલત ન આપી હોય શું એવું બન્યું છે? કેટલી લાંબી મુદ્દતથી ગુનાહો કરૂ છું છતાં તું તેની સજા નથી આપી, ખરાબ કામો કરૂં છું તે છતાં તારી પાસે જ્યારે કોઈ વસ્તુનો સવાલ કરૂં છું તો તું અતા કરે છે, એ કયો શુક્ર છે કે તારી આપેલી નેઅમતોમાંથી એક નેઅમતના બદલામાં અદા કરી શકું ? બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
8( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ જુના ગુનાહોની કે જેની તૌબા કરી ચૂક્યો છું, ત્યાર પછી તારો કરમ પણ નસીબ થએલ, મેં કસમ ખાધી અને તને તથા તારા અવ્લીયાઓને ગવાહ બનાવ્યા કે હવે પછી એ ગુનાહો નહિ કરૂં, પરંતુ શયતાને તેના મકરો ફરેબથી મને બહેકાવ્યો, મારી હલકાઈ અને કમજોરીએ તેના તરફ ખેંચી લીધો, મારા નફસે તે ગુનાહો તરફ દાવત આપી, મેં તે ગુનાહોને તારા બંદાઓની શરમના કારણે છૂપાવ્યા, મેં તારી સામે ઘમંડ કર્યો, જ્યારે કે હું જાણતો હતો કે કોઈ પણ પરદો અને કોઈ પણ દરવાજો મને તારાથી છૂપાવી નહિ શકે, હું કોઈ પણ જગ્યા રહું તારી નજરોથી છૂપો નથી રહી શકતો, તેમ છતાં તારા વિરોધમાં ગુનાહો કર્યા કે જેની તેં મને મનાઈ કરી હતી, પછી તેં મારા માટે તારી મારેફતને જાહેર કરી તો હું તારા દોસ્તો વચ્ચે પહોંચી ગયો, અને એવો દેખાવ કરવા લાગ્યો કે જાણે હું હંમેશા તારી ઇતાઅત કરતો હોઉં, તારા હુકમો ઉપર જલ્દીથી આગળ વધતો હોઉં, તારા અઝાબથી ડરતો હોઉં, મારા જાહેરને એ રીતે સજાવ્યો કે તારા બંદાઓ મારી હકીકતને જાણી ન શક્યા, જ્યારે કે તું મારી હકીકતને સારી રીતે જાણતો હતો, તેં મારી ઓળખાણ એ રીતે ન કરી કે જેવી રીતે તેઓ ઓળખતા હતા બલકે તારી નેઅમતોનો વરસાદ વધારે મારા ઉપર હોય તે રીતે ઓળખાવ્યો, ત્યાર પછી તેઓ ઉપર મને ફઝીલત આપી, કે એવું દેખાવા લાગ્યું કે મારો દરજ્જો તારી નજદીક તેઓ કરતાં વધારે હોય, આ બધી વસ્તુની કોઈ હકીકત નથી, સિવાય કે તેમાં તારી સહનશીલતા છે અને તારી નેઅમતોનો કરમ છે, બસ તમામ વખાણ તારા માટે જ છે અય મારા પરવરદિગાર! તો હવે તારી બારગાહમાં સવાલ કરૂં છું અય મારા અલ્લાહ! જેવી રીતે તેં દુનિયામાં મારી પરદા પોષી કરી તો હવે કયામતના દિવસે મને ઉઘાડો ન કર. અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.
9( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેમાં ગુનાહો કરવાનો વિચાર કર્યો હોય, તેની તૈયારી કરવા માટે પૂરી રાત પસાર કરી હોય, ત્યાં સુધી કે તે ગુનાહો કર્યા, પરંતુ જેવી સવાર થઇ તો સાલેહીન (નેક લોકો) ના જેમ તારી બારગાહમાં આવી પહોંચ્યો, જ્યારે કે તારી મરજીની મુખાલેફત (વિરૂધ) મેં મારા દિલમાં છૂપાવી હતી, અય તમામ દુનિયાઓના પરવરદિગાર! બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
10( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જો તારા દોસ્તોમાંથી કોઈ ઉપર ઝૂલ્મ કર્યો હોય, યા તારા કોઈ દુશ્મનને મદદ કરી હોય, યા તારી મોહબ્બત સિવાય બીજી કોઈ વાત કરી હોય, તે ગુનાહની માફી ચાહું છું કે જેમાં તારી ઇતાઅત સિવાય બીજા કોઈ રસ્તા ઉપર ચાલ્યો હોઉં, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
11( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેનાથી રોકવામાં આવ્યો હતો તે છતાં મેં તારી મુખાલેફત કરી, યા તે ગુનાહ કરવાથી ડરાવવામાં આવ્યો હતો તે છતાં મેં તેને અંજામ આપ્યો, યા તે ગુનાહ મારા માટે ખરાબ હતો તે છતાં તેનાથી મેં પોતાને સજાવ્યો, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર અય બહેતરીન માફ કરનાર.
12( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેને હું તો ભૂલી ગયો છું પરંતુ તારા હિસાબમાં મૌજુદ છે, જે ગુનાહોને હું મામુલી સમજતો રહ્યો પરંતુ તારા ત્યાં લખેલા છે, જે ગુનાહો મેં તો ખૂલ્લમ ખૂલ્લા અંજામ આપ્યા પરંતુ તું લોકોથી છૂપાવ્યા છે, જો હું તૌબા કરી હોત તો જરૂર તેને માફ કરી આપત, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
13( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેના પછી અઝાબ જલ્દીથી આવે છે, તું મોહલત આપીને ગુનાહો ઢાંકી લીધા છે અને મને ઝલીલ નથી થવા દીધો, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, અને મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
14( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેનાથી તારી રહેમત દૂર થાય છે, યા તારો અઝાબ જલ્દી આવે છે, યા તારો કરમ નસીબ નથી થતો, યા જેનાથી મારી નેઅમતો બરબાદ થઇ જાય છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
15( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છુ તે તમામ ગુનાહોની કે જે હલાક કરે છે, યા જેનાથી જલ્દીથી બલા આવે છે, યા જેના લીધે દુશ્મનો મેંણા મારે છે, અને ઇઝ્ઝત બરબાદ થઇ જાય છે, યા આસમાનથી (વરસાદના) ટીપા રોકાય જાય છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
16( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેમાં કોઈને મેંણા માર્યા હોય, યા કોઈને તેના ખરાબ કામ ઉપર બોલીને પછી હું પોતે જ તે કામો કરવા લાગ્યો હોઉ, તારી નાફરમાની કરી હોય, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
17( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેમાં તૌબા કરીને ફરીથી ગુનાહ કર્યા, તારાથી શરમ કરતો હતો તે છતાં પણ ગુનાહ કર્યા, તારાથી ડરતો હતો તે છતાં પણ ગુનાહોમાં ડૂબેલો હતો, તારી પાસે ગુનાહોની માફી માંગી અને ફરી ગુનાહો કરવા લાગ્યો, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
18( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેના લીધે મારા ઉપર તારા ગઝબની આગ વધારે થઈ ગઈ, તેનો અસર એ થયો કે જે તારાથી વાયદો કર્યો હતો યા જે અહદ કર્યો હતો યા કોઈ સામે તારી કસમ ખાધી, તે તમામ ગુનાહ મારા ઉપર છે, પરંતુ ત્યાર પછી ગુનાહની લઝઝત અને તેના અંદર મશગુલ રહેવાથી જે વાયદો તારાથી કર્યો હતો તેને પૂરો ન કર્યો, બલકે આરામની જીંદગી તારા વાયદાને પૂરો કરવાથી દૂર રાખ્યો, મારી મસ્તી અને ગફલત તેનાથી દૂર રાખ્યો, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
19( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેને હું તારી આપેલી નેઅમતોથી કર્યા છે, અને તે નેઅમતોથી શક્તિ હાસિલ કરીને ગુનાહો કર્યા, તારા હુકમની નાફરમાની કરી, અને તે નેઅમતોથી તારા અઝાબના વાયદાની નજીક થયો, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
20( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે મારી ખ્વાહીશાતો (ઈચ્છાઓ) ને તારી ઇતાઅતના પહેલા અંજામ આપી, મારી પસંદને તારા હુકમ કરતા વધારે સમજ્યો, અને તું નારાજ હોવા છતાં મારા નફ્સને રાજી કરી લીધું, જ્યારે કે તે ન કરવા ઉપર મને ડરાવ્યો હતો, મારા બહાનાના બધાજ રસ્તા બંધ કર્યા હતા, આ રીતે તારા અઝાબના વાયદાને બયાન કરીને મારા ઉપર હુજ્જત તમામ કરી હતી, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, અને મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
21( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છુ તે તમામ ગુનાહોની કે જે મને યાદ છે, યા જે હું ભૂલી ગયો હોઉં, યા પછી યાદ આવે, યા જાણી જોઈને કર્યા હોય કે પછી ભૂલથી થયા હોય, બેશક તું તે તમામ ગુનાહો વિષે સવાલ તો કરવાનો છે, અને હું તો તારી સામે હાજર છું, ભલે તેને ભૂલી જાઉં કે ગાફિલ બની જાઉં, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, અને મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
22( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે તારી પ્રત્યે હુસ્નેઝન (સારા વિચાર) રાખવાના કારણે કર્યા કે તું અઝાબ નહિ કરે, મને યકીન હતું કે તું જોઈ રહ્યો છે, અને મેં એ ગુનાહોની તૌબા કરવામાં ગફલત કરી, ત્યાર પછી તારી પાસે માફી માંગવાનું ભૂલાઈ ગયું, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
23( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે તારી પ્રત્યે હુસ્નેઝન (સારા વિચાર) રાખવાના કારણે અંજામ આપ્યા કે તું તેના બદલે અઝાબ નહિ કરીશ, ઉમ્મીદ હતી કે તું માફ કરીશ તે માટે ગુનાહો કરતો રહ્યો, અને મને ભરોસો હતો તારા કરમની મારેફત ઉપર કે જે ગુનાહોને તું છૂપાવ્યા છે તેને જાહેર કરીને બેઈઝ્ઝત નહિ કરે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
24( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેનાથી મારી દુઆઓ રદ થાય છે, અને દુઆઓ કબૂલ થતી નથી, માયુસી આવે છે અને ઉમ્મીદો તૂંટી જાય છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
25( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેનાથી દિલગીરી થાય છે, પછતાવો થાય છે, રોઝી બંધ થઇ જાય છે, અને દુઆ રદ થઇ જાય છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
26( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેનાથી (દુનિયામાં) બીમારી, નાબૂદી, બલાઓ અને પરેશાની આવે છે, તેમજ કયામતના દિવસે અફસોસ અને પછતાવો થશે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
27( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહોના મારી ઝબાનથી વખાણ કર્યા હોય, યા જે ગુનાહનો દિલમાં વિચાર કર્યો હોય, યા જે ગુનાહો કરવા માટે બેચૈન રહેતો હતો, યા જે ગુનાહો મેં અંજામ આપ્યા હોય, યા જે ગુનાહોને મેં મારા હાથથી લખ્યા હોય, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
28( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે રાત્રે યા દિવસે એકલતામાં અંજામ આપ્યા છે, તું એ ગુનાહોને એ રીતે છૂપાવ્યા કે તારા સિવાય બીજું કોઈ નથી જાણતું, અય જબ્બાર અલ્લાહ! આ રીતે હું વિચારમાં પડી ગયો કે તારા ખોફના લીધે ગુનાહો મૂકી દઉં કે તારાથી નેક ગુમાનના લીધે ગુનાહો કરતો રહું, પરંતુ મારૂં નફસ ગુનાહોને મારી સામે સજાવીને પેશ કર્યા તો હું ગુનાહ કરવા લાગ્યો જ્યારે કે મને ખબર હતી કે તારી નાફરમાની કરી રહ્યો છું, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
29( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેને ઓછા સમજ્યા હોય કે વધારે, મોટા સમજ્યા હોય કે નાના, યા મારી નાદાનીના લીધે ગુનાહોના ખાડામાં ફસાઈ ગયો હોઉં, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
30( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેમાં ગુનાહ કરવામાં તારા બંદાની મદદ કરી હોય, યા બીજાને ગુનાહો કરવાનો રસ્તો દેખાડ્યો હોય, યા એ ગુનાહ કરવા માટે કોઈને ભલામણ કરી હોય, યા જાણી જોઈને તે ગુનાહ કરવા માટે જબરદસ્તી કરી હોય, યા નાદાનીના લીધે હું તે ગુનાહોને કરતો રહ્યો હોઉં, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
31( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છુ તે તમામ ગુનાહોની કે અમાનતમાં ખયાનત કરી હોય, યા તેની કીમત પાછી આપવામાં આળસ કરી હોય, યા અમાનત પાછી આપવાથી મને દુઃખ થયું હોય, યા અમાનતમાં લાલચ કરી હોય, યા મારી ખુશીઓને તેને આપવા કરતાં વધારે સમજી હોય, યા અમાનતને હકદાર સિવાય બીજા કોઈને આપવાની કોશિશ કરી હોય, યા જે મારા ઉપર ભરોસો રાખતો હતો તેને ગુમરાહ કર્યો હોય, યા જે મને ખયાનત કરવાથી રોકે તેના ઉપર સખ્તી કરી હોય જેથી તેના ઉપર કામિયાબ થઇ શકું, યા જે મારા ઉપર કાબૂ મેળવવા ચાહે તેના ઉપર ગુસ્સો કર્યો હોઉં, યા ચાલાકીથી તેના ઉપર કાબૂ મેળવ્યો હોય, યા મારો નફસ તેમાં મને દગો આપ્યો હોય, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
32( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેમાં મારા મકરો ફરેબથી તારા ગઝબના નજદીક થયો હોઉં, યા મકરો ફરેબને તારા ઇતાઅત ગુઝાર બંદા ઉપર જાહેર કર્યો હોઉં, યા કોઈને તારા ગુનાહ તરફ લઇ ગયો હોઉં, યા તારા બંદાને ગુનાહ કરવાનો શોખ અપાવ્યો હોઉં, યા મારા કરતૂતો થકી તે ગુનાહોમાં પડ્યો હોઉં, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
33( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહો તું લખ્યા છે તેમાં ખુદપસંદી, રિયાકારી, વખાણ કરાવવા, ઘમંડ, હદથી વધારે ખુશહાલી (જે ગુનાહો તરફ લઈ જાય), કીનો, ખોટી ખુશી, ખરાબી, ઇસરાફ, તાઅસ્સુબ, ગુસ્સો, (ગુનાહો પર) રાઝી રહેવું, નારાઝગી, તંગી, ખોટી સખાવત, ઝૂલ્મ, ખયાનત, ચોરી, ખોટું બોલવું, ચૂગલખોરી, અને ખેલકૂદ, યા તેના જેવા જે ગુનાહો કર્યા હોય, અને જે ગુનાહો હલાક્ત નું કારણ બને છે, બસ મોહંમદ અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
34( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહો તારા ઈલ્મમાં પહેલેથી હતા, કે જેને મેં તારી અતા કરેલી તાકતથી અંજામ આપ્યા, એ તાકત થકી કે તું દરેક વસ્તું ઉપર કુદરત ધરાવે છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
35( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેમાં તારા સિવાય બીજાઓથી ડરતો હતો, યા તારા દોસ્તો સાથે દુશ્મની અને તારા દુશ્મનો સાથે દોસ્તી કરી હોય, યા તારા દોસ્તોને એકલા મૂકી દીધા હોય, યા કોઈ ગુનાહ કરવાથી તારા ગઝબનો હકદાર બન્યો હોઉં, બસ મોહંમદ અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
36( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેની તારી પાસે તૌબા કરીને ફરી પાછો ગુનાહો કરવા લાગ્યો હોઉં, તારા અને મારા વચમાં જે વાયદો હતો તેને તારી પરવાહ કર્યા વગર તોડી નાખ્યો હોઉં, હું જાણું છું કે તું બંદા ઉપર મોટો મહેરબાન અને માફ કરનાર છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
37( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહો મને તારા અઝાબથી નજીક કરે, યા તારા સવાબથી દૂર કરે, યા તારી રહેમત મેળવવામાં રૂકાવટ બને, યા જે ગુનાહો તારી નેઅમતને હાસિલ કરવામાં સખ્તી લાવે છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
38( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે તારાથી વાયદો કર્યો હતો તેને તોડી નાખ્યો, યા મેં જે નેકી કરવાનું તને વચન આપ્યું હતું તેને અંજામ ન આપી શક્યો, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ.ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
39( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોથી કે જે તારી આપેલી તંદુરસ્તીથી કર્યા, યા તારી આપેલી વધારે નેઅમતોના લીધે માલદાર બનીને ગુનાહો કર્યા હોય, યા તારી આપેલી વધારે રોઝીના લીધે ગુનાહો કરવાની તાકત મેળવી હોય, યા હું ચાહતો હતો કે તારી ખુશી માટે નેક કામ કરૂં, પરંતુ મારી નિય્યત બીજાને દેખાડવા માટે થઇ અને મારી નેકી બરબાદ થઇ ગઈ, યા તે ગુનાહ કે તારા સિવાય બીજા કોઈ પાસે ઈરાદો કર્યો હોય, વધારે આ રીતના ગુનાહ છે, (તે તમામ ગુનાહોની માફી ચાહું છું) બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
40( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેને છોડવાનો હુકમ હતો અને મેં તેને અંજામ આપ્યો, જયારે કે તે કામ તારા નજીક હરામ હતું, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
41( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે લોકોથી તો છૂપા છે પરંતુ તારાથી છૂપા નથી, તારી પાસે માફી માંગી તો તું ગુનાહોને માફ કર્યા, ત્યાર પછી ફરીવાર મેં ગુનાહો કર્યા અને તું ફરીવાર તેને છૂપાવ્યા, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
42( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છુ તે તમામ ગુનાહોની કે જે ગુનાહો કરવા હું પોતે મારા પગોથી ચાલીને ગયો, યા જે ગુનાહો મારા હાથ, આંખ, કાન અને મારી ઝબાનથી કર્યા છે, યા જે મને રોઝી આપી તેને તારી નાફરમાનીમાં ખર્ચ કરી છે, આટલા ગુનાહો કરવા પછી પણ જયારે જ્યારે તારાથી રોઝીનો સવાલ કર્યો તો તું અતા કરી છે, મેં તો તે રોઝીથી ગુનાહો કરવામાં મદદ લીધી, તે છતાં તું ગુનાહોને છૂપાવ્યા, ત્યાર પછી તારી પાસે વધારે રોઝી માંગી તો તું નાઉમ્મીદ ન કર્યો (અને રોઝી અતા કરી), જાહેરમાં ખૂલ્લમ ખૂલ્લા ગુનાહો કર્યા તે છતાં મને બેઇઝ્ઝત ન થવા દીધો, હું ગુનાહો વારંવાર કરૂં છું પરંતુ જ્યારે તૌબા કરૂં છું તો તું તેને કબૂલ કરે છે અને તારી સહનશીલતાથી ગુનાહોને માફ કરે છે, અય મહેરબાનોમાં સૌથી મોટો મહેરબાન, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
43( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેનો નાનો ગુનાહ તારા સખત અઝાબને લાવવા માટે કાફી છે, અને મોટા ગુનાહના લીધે તો મોટા સખત અઝાબ આવે છે, જે ગુનાહો કરવાથી જલ્દી અઝાબ આવે છે, વારંવાર ગુનાહો કરવાથી તારી નેઅમતો મારી પાસેથી ખતમ થઇ જાય છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
44( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહોને તારા સિવાય બીજું કોઈ નથી જાણતું, તારા સિવાય બીજા કોઈને ઇલ્મ નથી, તારા સહનશીલતા (હિલ્મ) સિવાય મને બીજું કોઈ નજાત નથી આપી શકતું, તારી માફી સિવાય બીજા કોઈની મદદ કામ નથી આવી શકતી, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
45( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છુ તે તમામ ગુનાહોની કે જે ગુનાહો કરવાથી નેઅમતોમાંથી બરકત ખતમ થઈ જાય છે, પરેશાનીઓ ઘર કરી જાય છે, જલ્દી ફના થઇ જવાય છે, અને જે ગુનાહોથી શરમિંદા થવું પડે છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
46( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છુ તે તમામ ગુનાહોની કે જેનાથી નેકીઓ નાબૂદ થઇ જાય છે અને બૂરાઈઓ વધી જાય છે, જેનાથી મુસીબતો જલ્દી આવે છે અને તારો ગઝબ વધારે થાય છે, અય આસમાનોના પરવરદિગાર, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
47( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહને તું જાણે છે, તું તે ગુનાહોને સૌથી બહેતર છૂપાવનાર છે, અને તું પરહેઝગાર અને તૌબા કરવા વાળાઓનો સાથી છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
48( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેમાં તારા અવલીયા અને દોસ્તોના મુકાબલામાં તારા દુશ્મનોની મદદ કરી, યા તારા ઇતાઅત ગુજાર બંદાના મુકાબલામાં તારા ગુનેહગાર બંદાને પ્રાથમિકતા (મુકદ્દમ) આપી, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
49( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેથી ઘમંડી બન્યો, અને તેનાથી મને ઝલીલ (અપમાનિત) થવું પડ્યું, યા જે ગુનાહ કરીને તારી રહેમતથી માયુસ થયો, યા નાઉમીદીના લીધે તારી ઇતાઅતથી દૂર થયો, જ્યારે કે હું મારી મોટી ભૂલોને જાણતો હતો અને મારા નફ્સ પ્રત્યે બદગુમાન હતો, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
50( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જો તારી રહેમત શામીલે હાલ ન હોત તો તે ગુનાહના લીધે જરૂર હલાક થઇ જાત, તેમજ હું ફના અને નાબૂદ થઇ જાત, જો તું હિદાયત ન કરી હોત તો તે ગુનાહના લીધે હું ગુમરાહ થઇ ગયો હોત, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
51( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેમાં તારી હિદાયત, તારો હુકમ , તારી મનાઈ અને જાહેર દલીલ હોવા છતાં તારી ખુશનુદી, તારી મોહબ્બત અને નજદીકી હાસિલ કરવા માટે ગફલત કરી હોય, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
52( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહોથી દુઆ કબૂલ થતી નથી, યા મારી ઉમ્મીદો પૂરી થતી નથી, યા તારી નારાજગીના લીધે મારી પરેશાનીનો અંત આવતો નથી અને તારાથી ઉમ્મીદ ઓછી થઇ જાય છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ.ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
53( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેથી દિલ મુર્દા બની જાય છે, પરેશાનીઓ વધી જાય છે, જે ગુનાહોથી શયતાન રાજી અને ખુદા નારાજ થાય છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ.ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
54( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેના લીધે તારી રહેમતથી નાઉમ્મીદી મળે છે, તારી મગફેરતથી માયુસી મળે છે, અને તારી પાસે જે કંઈ છે તેનાથી મેહરૂમ થઇ જવાય છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
55( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેમાં તારી અઝમતના કારણે હું મારા નફ્સની મુખાલેફત કરીને તૌબા કરી અને તું મારી તૌબાને કબૂલ પણ કરી, તારી પાસે માફી માંગી તો તું માફ કર્યો, પરંતુ ત્યાર પછી મારા નફ્સે મને દગો આપ્યો, તારી વિશાળ રહેમતના લીધે, તારી કરીમ માફીના કારણે અને તારા સુંદર વચનના કારણે હું તારા અઝાબની ચેતાવણીને ભૂલાવી મારા નફસના ફરેબમાં ફસાઈ ગયો, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
56( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહોથી કયામતના દિવસે ચહેરા કાળા થઇ જશે, જ્યારે કે તારા દોસ્તોના ચહેરા નૂરાની હશે, અને તારા દુશમનોના ચહેરા કાળા થઇ જશે, તે દિવસે લોકો એક બીજાને મલામત કરતા હશે, ત્યારે કોઈ કહેશે કે ‘મારી બાજુમાં ઝઘડો ન કરો તમોને પહેલેથી જ આ વાતની જાણ કરવામાં આવેલ હતી’, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
57( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેનાથી કુફ્ર્ના નજીક થઈ જાઉં, યા જે ગુનાહો પરેશાનીમાં વધારો કરે, યા જે ગુનાહોથી ફકીરી આવે, યા જે ગુનાહોથી કઠણાઈ આવે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
58( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહોથી મૌત જલ્દી આવે છે, ઉમ્મીદો તૂટી જાય છે, જીંદગી ટૂંકી થઇ જાય છે, ચાહે તે ગુનાહનો ઈકરાર કર્યો હોય, તેનો વિચાર કર્યો હોય અને જે વિચારથી હું શરમીંદા થયો હોઉં, યા તેને દિલમાં છૂપાવીને રાખ્યા હોય, અથવા એવા ગુનાહ કે જેની મને ખબર ન હોય અને તું જાણતો હોય, કારણ કે તું દરેક ભેદ અને જાહેર વાતોનો જાણકાર છો, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
59( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહો કરવાથી રોઝીમાં ઘટાડો અને દુઆઓ રદ થાય છે, અને વારંવાર મુસીબતો, પરેશાનીઓ આવે છે, તથા ગમોમાં વધારો થાય છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
60( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેથી તારા બંદાઓ મને નાપસંદ કરે, અને તારા દોસ્તો મારાથી નફરત કરવા લાગે, યા તારા ઇતાઅત ગુઝાર બંદા મારા ગુનાહો, મોટી મોટી ભૂલો અને ભયંકર પાપોના લીધે મારાથી ડરવા લાગે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
61( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેને તું જાહેર કર્યા હોય અને હું તેને છૂપાવ્યા હોય, યા જેને તું છૂપાવ્યા હોય તેને હું જાહેર કર્યો હોઉં, યા જેને તું સારૂં સમજતો હોય એને હું ખરાબ સમજતો હોઉં, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
62( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેનાથી તારા વાયદા સુધી નથી પહોંચી શકતો, જેનાથી તારા ગુસ્સા અને ગઝબથી નથી બચી શકતો, તારી રહેમત મારા ઉપર નાઝીલ નથી થતી, અને જેનાથી નેઅમતો અટકી જાય છે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ.ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
63( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેને દિવસે તો તારા બંદાથી છૂપાવ્યા અને રાત્રે તારી સામે ગુનાહો કરવાની હિંમત દેખાડી, જ્યારે કે હું જાણું છું કે તું છૂપી વાતોને પણ જાણે છે, અને કોઈ પણ વસ્તું તારી નજીક છૂપી નથી, કોઈ રૂકાવટ રોકી શકતી નથી, માલ અને ઔલાદથી કોઈ ફાયદો નથી મળતો સિવાય કે કલ્બે સલીમ સાથે તારા સુધી પહોંચે, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહોને માફ કર, અય બહેતરીન માફ કરનાર.
64( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહો કર્યા પછી તને ભૂલી જાઉં, અને તારી ચેતાવણીથી ગફલતમાં રહું, યા તારા મકરથી અમાનમાં રહું, યા જે ગુનાહો મને લાલચમાં નાખી દે, જેથી તારા સિવાય બીજા કોઈ પાસે રોઝી માંગવા લાગુ, યા જે ભલાઈ તારી પાસે છે તેનાથી માયુસ થઇ જાવ, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહો માફ કર, અય બહેતરીન માફ કરનાર.
65( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહો નાશુક્રી અને તારાથી મોઢું ફેરવવાના કારણે અંજામ આપ્યા, મારી રોઝીના દરવાજા તંગ થવા વખતે તારા બદલે તારા બંદાઓના પાસે ગયો, જ્યારે કે તારી કિતાબ કુરાને મજીદની આયતો સાંભળેલી હતી, ‘તે લોકો પરવારદીગારના સામે નમ્રતા નથી કરી,’ બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહો માફ કર, અય બહેતરીન માફ કરનાર.
66( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે મુસીબતમાં તારા સિવાય બીજા કોઈ પાસે મદદ ચાહી હોય, યા મુસીબતોમાં તારા સિવાય બીજા કોઈની પનાહ હાસિલ કરી હોય, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહો માફ કર, અય બહેતરીન માફ કરનાર.
67( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહોના લીધે હું તારા સિવાય બીજાથી ડર્યો હોઉં, યા તારી મખલુક્માંથી કોઈના સામે મેં પોતાને ઝલીલ કર્યો હોઉં, યા જે તેના પાસે છે તેના તરફ લાલચ રાખીને દિલ લગાવ્યું હોય, યા તેની પેરવી કરીને ગુનાહોથી મેં પોતાને સજાવ્યો હોય, મને ખબર છે કે હું હંમેશા તારો મોહતાજ છું અને તારાથી બેનીયાઝ નથી, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહો માફ કર, અય બહેતરીન માફ કરનાર.
68( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહોના હું વખાણ કર્યા, યા ગુનાહો કરવાનો શોખ થયો હોય, યા ગુનાહો કરીને ગર્વ કર્યો હોય, યા મેં મારી વાતોથી બૂરાઈ કરનારને હિમ્મત આપી હોય, જયારે કે તે બૂરાઈ તારા નજીક ખરાબ હતી, અને તું તેના પર મને અઝાબ કરીશ, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહો માફ કર, અય બહેતરીન માફ કરનાર.
69( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જેને મેં મારા દિલમાં નાના સમજ્યા હોય, મારા વિચારોમાં તેને હલકા સમજ્યા હોય, મારા વહેમથી તેને મામુલી સમજ્યા હોય, ત્યાર પછી મારા માટે તે ગુનાહો કરવા આસાન થઇ ગયા, તેના લીધે હું ગુનાહોમાં ડૂબી ગયો હોઉં, બસ મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા એ તમામ ગુનાહો માફ કર, અય બહેતરીન માફ કરનાર.
70( અય અલ્લાહ! તારી પાસે માફી ચાહું છું તે તમામ ગુનાહોની કે જે ગુનાહો મારી આખરી ઉમ્ર સુધી તારા ઇલ્મમાં મૌજુદ છે, એ ગુનાહો ચાહે પહેલા કર્યા હોય કે છેલ્લા, જાણી જોઇને કર્યા હોય કે ભૂલથી, ઓછા હોય કે વધારે, નાના હોય કે મોટા, જુના હોય કે નવા, છુપાઈને કર્યા હોય કે જાહેરમાં, યા તે તમામ ગુનાહ કે જેને અંજામ આપીશ, તેની તારી પાસે તૌબા કરૂં છું, હું ચાહું છું કે મોહંમદ સ. અને આલે મોહંમદ અ. ઉપર રહેમત નાઝીલ ફરમાવ, મારા ઉપર જે બંદાઓ ઝૂલ્મ કર્યો છે અને તેનો હિસાબ તારી પાસે છે, તે તમામને માફ કર, કારણ કે તારા બંદાઓના મારી ગરદન ઉપર ઘણા હક છે, હું પણ તેમાંથી છું, બસ જ્યારે અને જે રીતે તું ચાહે તેમને માફ કર, અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર.
اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَاٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ