(૧૫)હઝરત આસીયા (રઝિ.)ની દુઆ
(સૂરા નં ૬૬ તહરીમ્ આ. નં. ૧૧)
رَبِّ ابْنِ لِي عِنْدَكَ بَيْتًا فِي الْجَنَّةِ
રબ્બીબ્ને લીઇન્દકએ બયતન ફિલ જન્નહ
પરવરદિગાર! મારા માટે તારા પાસે જન્નતમાં એક ઘર બનાવ
(સૂરા નં ૬૬ તહરીમ્ આ. નં. ૧૧)
ઇમાન લાવનારી નેક ઓરતો માટે અલ્લાહ તઆલા બીબી આસિયા જેવી મહાન ઓરતનું દષ્ટાંત આપે છે. જેઓ નાપાક ફિરઓનના પત્નિ હતાં.
ફિરઓન ખુદાઇનો દાવો કરતો હતો. અત્યારની આંધારી આલમના ગુંડાઓ પાસેથી તેમના બંદીઓ છટકી શકતા નથી, તો આ બિચારાં નેક બીબીનો શું હાલ થયો હશે? જેમનો દરજ્જો ચાર મહાન ઓરતોમાં થાય છે.
(૧) હઝરત ફાતેમા (સલા.) (૨) હઝરત ખદીજા (રઝિ.) (૩) હઝરત મરિયમ રઝિ. (૪) હઝરત આસિયા (રઝિ.)
જેઓમાં સર્વશ્રેષ્ઠ દરજ્જો ફાતેમા (સલા.)નો છે. જેમનું નામ વાંચતા જ આપણી આંખો અશ્રુભીની થઇ જાય છે. આ મઝલૂમ બીબી હઝરત આસિયા ફિરઓન જેવા નાપાકની દષ્ટિ સમક્ષ ચોવીસ કલાક રહેતાં હતાં. હિંમત ન હાર્યાં. અલ્લાહનો રસ્તો પણ ન છોડ્યો. સાથે સાથે અલ્લાહના નબી હઝરત મુસા(અલ.)ને આ નાપાકની ચાલબાજીઓથી બચાવતાં રહ્યાં. મારી મા-બહેનો વિચારો કે કેવી તકલીફો આ
ઓરતે ઉઠાવી હશે ! છતાંય કદીય આપઘાત કરવાનો કે અન્ય કોઇ બુરો વિચાર એમના દિલ દિમાગમાં ન ગુજર્યો.
આ ઉમ્મતની મઝલૂમ મા-બહેનો માટે અલ્લાહ હઝરત આસિયાનું દષ્ટાંત આપે છે કે આપણે થોડી થોડી તકલીફોમાં બેસબર થઇ જઇએ છીએ. હું ચાલી જઇશ- હું તો બળી મરીશ. કેવા કેવા નાપાક વિચારો કરીએ છીએ. કુર્આન આપણા માટે એક બેહતરીન માર્ગદર્શક છે. એને સમજીને પઢવામાં આવે.
[જો અલ્લાહ મને શક્તિ આપશે અને સંજોગો પેદા કરી આપશે તો હું ફક્ત ઓરતો માટે કુર્આન હદીસમાં આવતાં ઓરતોના દષ્ટાંતો સમજાવીને એક કિતાબ લખીશ. ઇન્શાઅલ્લાહ.