ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની દોઆએ અરફા

 

 

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

 

અલ્લાહના માટે વખાણ છે જે આલમીનનો પાલનહાર છે. અય અલ્લાહ ! અય જમીન અને આસમાનના સર્જનહાર ! તારી હમ્દો સના છે, ઈજજત અને જાહોજલાલીના માલિક !

 

 

જે મા’બૂદોની ઈબાદત કરવામાં આવે છે તેઓનો પણ મા’બૂદ, દરેક વસ્તુઓનો અલ્લાહ (માબૂદ), દરેક મલ્લૂકનો ખાલિક (સર્જનહાર) અને દરેક વસ્તુઓનો વારીસ !

 

 

તારા જેવું બીજું કોઈ નથી, તારાથી કોઈ ઇલ્મ છુપું નથી, દરેકવસ્તુઓ તારા (ઇલ્મ)થી ધેરાયેલી છે અને દરેક વસ્તુ ઉપર તારી દેખરેખ છે.

 

 

તું અલ્લાહ છે, નથી કોઈ અલ્લાહુ તારા સિવાય; એક (અહદ), સ્વંય (મોતવહેદ), એકલો (ફર્દ), અજોડ (મોતરફદ) ! તું અલ્લાહ છે, તારા સિવાય કોઈ માબૂદ નથી; મહેરબાન (કબીર), પ્રશંસનીય (મોતકબ્બર) !

 

 

તું અલ્લાહ છે, તારા સિવાય કોઈ માબૂદ નથી; સવોપરી (અલીય્યો), પ્રશસ્ય (મોતઆલ), સંપૂર્ણ સત્તાધીશ (શદીદુલ-મેહાલ) ! તું અલ્લાહ છે, તારા સિવાય કોઈ મા'બૂદ નથી;માયાળુ(રહેમાન), દયાળુ (રહીમ), જ્ઞાની (અલીમ) તથા બુદ્ધિશાળી (હકીમ)!

 

 

તું અલ્લાહ છે, તારા સિવાય કોઈ મા'બૂદ નથી; સાંભાળનાર (સમીઅ), જોનાર (બસીર), શાશ્વત (કદીમ), સંપૂર્ણ માહિતગાર (ખબીર) ! તું અલ્લાહ છે, તારા સિવાય કોઈ મા'બૂદ નથી; સખીઓનો સખી (કરીમુલ-અકરમ), હંમેશા રહેનારાઓમાં અનંત (દાએમુલ-અદવમ) ! તું અલ્લાહ છે, તારા સિવાય કોઈ માબૂદ નથી; દરેક પહેલાથી પહેલો અને દરેક છેલ્લાથી છેલ્લો ! તું અલ્લાહ્ છે, તારા સિવાય કોઈ મા'બૂદ નથી;

 

 

તારી સર્વોચ્ચતામાં અદ્રશ્ય અને તારી નજીકમાં પણ તું અદ્રશ્ય ! તું અલ્લાહ છે, તારા સિવાય કોઈ મા’બૂદ નથી; બધી સુંદરતાનો મહાનતાનો અને જાહોજલાલીનો માલિક તથા પ્રશંસાપાત્ર ! તું અલ્લાહ છે, તારા સિવાય કોઈ મા'બૂદ નથી; જેણે દરેક વસ્તુઓને મૂળ વગર ખલ્ક કરી, જેના માટે તુંએ ધાટ ઘડ્યા તે નમૂના વગર ધડયા અને જે પણ નવી વસ્તુઓની શરૂઆત કરી (શોધ કરી) તે કોઈપણ ઉદાહરણની અનુસરીને નહિં !

 

 

તે તું છે જેણે દરેક વસ્તુને માપતોલથી નિર્માણ કરી, દરેક વસ્તુને સહેલાઈ પ્રમાણે આસાન બનાવી અને દરેક વસ્તુની તુંએ પોતે તેને લગતી સંભાળ લીધી ! તે તું છે જેનો ખલ્ક કરવામાં કોઈ જોડીદાર ન હતો અથવા તારા મામલામાં તારો કોઈ મદદગાર ન હતો તથા ન તો કોઈ તારી સમક્ષ ગવાહ કે જોનારો હતો ! તે તું છે જેણે ઈરાદો કર્યો અને તુંએ જે કંઇ પણ ઈરાદો કર્યો તે મક્કમ હતો ! તુંએ નિર્ણય પસાર કર્યો અને જે કંઈ પણ હુકમ કર્યો તે ન્યાયપૂર્ણ હતો !

 

 

તુંએ હુકમ કર્યો અને જે કંઈ પણ હુકમ કયો તે ઇન્સાફ ઉપર હતો ! તે તું છે જેને જગાની આવશ્યકતા નથી, તારી બાદશાહતને કોઈ બાદશાહ પડકારી નથી શકતો અને નથી કોઈ દલીલ અથવા વર્ણન તારી સમક્ષ ટકી શકતું ! તે તું છે જેની ગણતરીમાં દરેક વસ્તુ છે, તુંએ દરેક વસ્તુની મુદ્દત નક્કી કરેલ છે અને તુંએ દરેક વસ્તુઓનો પૂરતા પ્રમાણમાં માપ નક્કી કર્યા છે !તે તું છે જેની ઝાતને ઓળખવામાં વિચારો નિષ્ફળ છે, જેના ગુણો તપાસવામાં સમજ નિષ્ફળ છે અને આંખો તારા અસ્તિત્વને કયારે ગ્રહણ નથી કરી શકી !

 

 

તે તું છે જેની વ્યાખ્યાનું પૂર્ણ રીતે વર્ણન નથી અપાઈ શકતું, નહિં તો તું સીમિત થઇ જાય; તારો કોઈ દાખલો નથી અપાઈ શકતો, નહિં તો તે ગ્રહણ કરી શકાતે; તુંએ કોઈને જન્મ નથી આપ્યો, નહિં તો તને પણ કોઈ જન્મ આપનાર હોત ! તે તું છે જેનો કોઈ વિરોધી નથી જે તને હરાવી શકે અને તારા જેવો કોઈ શક્તિશાળી નથી જે તને પડકારી કરી શકે ! તે તું છે જેણે શરૂઆત કરી, શોધ કરી, સર્જન કર્યું અસ્તિત્વમાં લાવ્યું અને જે કંઈ પણ તુંએ ખલ્ક કર્યુ તે સુંદર (શ્રેષ્ઠ) રીતે ખલ્ક કર્યું !

 

 

તારી ઝાત (અસ્તિત્વ) પાક છે, તારો મોભો (દરજ્જો) કેટલો બુલંદ છે ! બધી જગ્યાઓમાં તારૂં સ્થાન કેટલું સર્વોચ્ચ છે !તારો જાહેર કરેલો તફાવત (ફુરકાન –કુરઆને મજીદ) સચ્ચાઈની કેટલી (અને કેવી) ચોખ્ખી જાહેરાત છે !

 

 

તારી ઝાત પાક છે, અય મહેરબાન, તું કેટલો ઉદાર છે ! અય કુપાળું, તું કેટલો કૃપાળુ છે ! અય હકીમ, તું કેટલો જ્ઞાની છે!

 

 

તારી ઝાત પાક છે, અય બાદશાહ (માલિક), તું કેટલો શક્તિશાળી છે ! અય સખી, તારી સખાવત કેટલી બધી છે ! અય સર્વોચ્ચ, તું કેટલો પ્રશંસનીય છે ! સુંદરતા, મહાનતા, જાહોજલાલી અને વખાણના માલિક !

 

 

તારી ઝાત પાક છે, સખાવત માટે તુંએ તારા હાથ લંબાવી દીધા છે અને હિદાયત તારી બારગાહમાંથી પ્રાપ્ત થઇ શકે છે,તેથી, જે કોઈપણ પોતાની દીની અથવા દુન્યવી બાબત માટે તારી બારગાહમાં હાજર થયો તેણે પોતાની હાજત મેળવી !

 

 

તારી ઝાત પાક છે, તારા ઇલ્મમાં જે કંઈ પણ અસ્તિત્વ પામેલું છે તેણે તારી બારગાહમાં શિર ઝૂકાવ્યું, જે કંઇ પણ તારા અર્શ (સત્તા) તળેછે તેણે તારી બાદશાહતમાં નમ્રતા ગ્રહણ કરી અને તારી કુલ મલ્લૂક તારી આજ્ઞાકિત બની !

 

 

તારી ઝાત પાક છે, તને, જોઈ અને સમજી નથી શકાતો (ગ્રહણ નથી કરી શકાતો), શોધી નથી શકાતો, અડી નથી શકાતો તું નજીક નથી લાવી શકાતો ખસેડી નથી શકાતો, દૂર નથી કરી શકાતો, તારાથી દલીલ નથી કરી શકાતી, તારા ઉપર જુલમ નથી કરી શકાતો, તારાથી લડી નથી શકાતું તારા ઉપર દબાણ નથી લાવી શકાતું કે નથી તારાથી દગો કરી શકાતો !

 

 

તારી ઝાત પાક છે, તારી રાહ સીધી છે, તારો હુકમ સચ્ચાઈ છે, તું જીવિત છે તથા સ્વાધીન છે !

 

 

તારી ઝાત પાક છે, અય ખુલ્લી નિશાનીઓના માલિક ! આસમાનો અને જીવતરના સર્જનહાર !

 

 

તારા વખાણ છે જયાં સુધી તારૂં અસ્તિત્વ છે ત્યાં સુધી. તારા વખાણ છે તારી અતા થતી નેઅમત જેટલા, તારી કળાને શોધે તેવા વખાણ. તારા વખાણ છે, એવા વખાણ જે તારી ખુશીમાં વધારો કરે. તારા વખાણ છે. એવા વખાણ જેદરેક વખાણ કરનારાઓના વખાણને વધી જાય અને (તારો) એવો શુક્ર જે દરેક શુક્રગુજારના શુકથી વધી જાય. એવા વખાણ, જેવા વખાણને પાત્ર તું જ છે અને જેના થકી તારા સિવાય બીજા કોઈનો સંપર્ક સાધી નથી શકાતો.

 

 

એવા વખાણ જેના થકી નેઅમતોનું અતા થવું ચાલુ જ રહે અને જેના થકી ભવિષ્યની નેઅમતો હંમેશાં મેળવતા રહીએ એવી દુઆ કરી શકાય. એવા વખાણ જે સમયના યુગો વીતવા સાથે વધતા જ રહે તથા વધારો થતો જ અને વધતા રહે. એવા વખાણ જેની હિસાબ રાખનારા ગણતરી ન કરી શકે અને જે તારી કિતાબમાં હિસાબ લખનારાના હિસાબથી વધી જાય.

 

 

એવા વખાણ જે તારા સર્વોચ્ય સિંહાસનને લાયક હોય અને જે તારા પગરખા બની રહે. એવા વખાણ જેના માટે તારી જઝા સંપૂર્ણ હોય અને જેની જઝા બીજી જઝાથી બેહતર ય. એવા વખાણ જેનો જાહેરી દેખાવ તેના અંત:કરણ સાથેના ભાવ સાથે ભળેલો હોય અને તેના અંત:કરણનો ભાવ તેના પાછળ રહેલી તેની નિય્યતને અનુસરીને જ હોય.

 

 

એવા વખાણ જેવા કોઈ મલ્લૂકે અત્યાર સુધી કર્યા ન હોય અને જેના ફઝલ (સુંદરતાઅને કિંમત)ની તારા સિવાય કોઈને જાણ નથી. એવા વખાણ જેને કોઈ જો ગણવાની કોશિશ કરે તો તેની મદદ થાય અને તેનો હિસાબ સમજવાની જો કોઈ બનતી કોશિષ કરે તો તેને સહાયતા મળે.

 

 

એવા વખાણ જેમાં તુંએ ખલ્ક કરેલા બધા જ વખાણ સમાયેલા છે અને જેમાં એ વખાણ પણ પરોવાઈ જશે જે તું (હવે પછી) ખલ્ક કરનારા છે. બીજી કોઈ જાતના વખાણથી જુદા, તારા કહેણ (કુરઆને મજીદ) મુજબના વખાણ અને તારા વખાણ કરનારથી મોટો બીજો કોઈ વખાણ કરનાર નથી. એવા વખાણ જેનાથકી વખાણ કરનારા તારા કામ થકી વધારેજઝાના હકદાર બને છે એમાં પણ તું તારી ઉદારતા થકી વધારો અતા કરે છે. એવા વખાણ જે તારા મોભાનું માન બને અનેતારી બાદશાહતની જાહોજલાલીને યોગ્ય હોય.

 

 

અય અલ્લાહ !હઝરત મોહંમ્મદ અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર, જેઓ ખાસ છે, ચૂંટાએલા છે, તારી નજીક હોવાના કારણે માનનીય છે અને તારી સર્વોતમ નેઅમતો ધરાવવાવાળા છે. તેમની તારી સંપૂર્ણ બરકતો (નેઅમતો) અતા કર અને બેહતરીન રહમતો તેમન ઉપર નાઝિલ કર.

 

 

અય અલ્લાહ ! હઝરત મોહંમ્મદ (સલ્લલ્લાહો અલવ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર, એવી પાક રહેમત જેનાથી વધારે પાક બીજી કોઈ પણ રહેમત ન હોય. તેમના ઉપર અને તેમની આલ ઉપર ફળદ્રુપ રહેમત નાઝિલ કર, એવી ફળદ્રુપ રહેમત જેનાથી વધારે કુશળ બીજી કોઈ રહેમત ન હોય.તેમના ઉપર અને તેમની આલ ઉપર સંતોષજનક રહેમત નાઝિલ કર જેનાથી વધીને બીજી કોઈ રહેમત બેહતર ન હોય.

 

 

અય અલ્લાહુ ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલવ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર, અવી રહેમત જેનાથી તેઓ રાજી થઈ જાય અને તેમની ખુશીમાં વધારો કર. તેમના ઉપર અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર જેનાથી તું રાજી રહે અને તેમાં માટે તારી ખુશીમાં પણ વધારો થાય. તેમના ઉપર અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર જેવી રહેમત તેમના સિવાય બીજા કોઈ ઉપર નાઝિલ ન કરી હોય અને તારી નજરમાં એવી રહેમતને લાયક તેમના સિવાય બીજું કોઈ ન હોય.

 

 

અય અલ્લાહુ ! હઝરત મોહંમ્મદ (સલ્લલ્લાહો અલવ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર, એવી રહેમત જે તારી ખુશીના કારણથી વધીને હોય, જેનો પ્રવાહ તારા અનંત અસ્તિત્વના આધાર ઉપર હોય અને જે કયારે પણ નાશ ન પામે જેવી રીતે તારા કહેણ નાશ નથી પામતા.

 

 

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલવ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર, એવી રહેમત જેવી તું તારા ફરિશ્તાઓ ઉપર, તારા નબીઓ ઉપર તારા રસૂલો ઉપર અને તારી ઇતાઅત કરનારા ઉપર નાઝિલ કરે છે; એવી રહેમત જે તું તારા એ બંદાઓ ઉપર નાઝિલ કરે છે જેઓ જિન્નો-ઇન્સમાંથી છે અને જેઓ તારા જવાબને લાયક છે; અને એવી રહેમત જે તું તારી એ મમ્બૂકની દરેક જાતિ ઉપર નાઝિલ કરે છે જેને તુંએ ખલ્ક કરી અસ્તિત્વમાં લાવી છે.

 

 

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલવ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર, એવી રહેમત જે તુંએ પૂરા ભૂતકાળમાં નાઝિલ કરી છે અને ભવિષ્યમાં નાઝિલ કરનાર છે. તેમના ઉપર અને તેમની આલ ઉપર એવી રહેમત નાઝિલ કર જેનાથી તું તથા તારા સિવાય બીજા બધાં રાજી હોય. અને તારી વધારાની નેઅમતો અતા કરીને આ રહેમતમાં વૃદ્ધિ કર, આ જ સમયે તથા જેમ દિવસ વીતતા જાય અને તેમાં વૃદ્ધિ કરીને એટલો વધારો કર જેની તારા સિવાય કોઈ ગણતરી ન કરી શકે.

 

 

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલવ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર જેમને તુંએ તારા સંદેશા માટે ખાસ ચૂંટ્યા છે, જેમને તુંએ તારા ઈલ્મના ખજાનથી બનાવ્યા છે (અમાનતદાર બનાવ્યા છે), તારા દીનની સુરક્ષા કરનાર નીમ્યા છે, તારી જમીનના ખલીફા નીમ્યા છે અતે તારી મલ્લૂક સમક્ષ તારી હુજ્જત (દલીલ) તરીકે મોકલ્યા છે;

 

 

તારી ઇચ્છાથી તુંએ તેઓને દરેક નજાસત તથા ખામીઓથી સંપૂર્ણ રીતે પાક રાખ્યા છે અને તારા સુધી પહોચવા માટે તેઓને માધ્યમ કરાર આપ્યા છે તથા તારી જાત (મેળવવા) માટે હાદી (રેહબર) બનાવ્યા છે.

 

 

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ(સલ્લલ્લાહો અલવ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર, એવી રહેમત જેના થકી તેઓ માટે તું તારી જઝા તથા કરમમાં વધારો કરે; તારા તોહફાઓ તથા વધારાની નેઅમતો થકી તેમના માટે તારીરહેમત સંપૂર્ણ રીતે અતા કર અને તેઓને ઇનામો તથા ફાયદાઓનો હિસ્સો બહોળો કર.

 

 

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલવ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર, એવી રહેમત જેની શરૂઆતની હદ ન હોય, જેની મુદ્દતનો કોઈ મર્યાદિત સમય ન હોય અને તેના પ્રવાહનો કોઈ અંત ન હોય.

 

 

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલવ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર જે તારાઅર્શ (સિંહાસન) તથા તેના નીચે જે કંઈ પણ છે તેની કિંમતની બરાબર હોય, આસમાનો તથા તેના ઉપર જે કંઇ પણ છે તે ભરાઈ જાય એટલી હોય, તારી જમીન તથા તેના નીચે જે કંઇ પણ છે તેના ભારોભાર હોય, એવી રહેમત જે તેઓની તારી નજીક લઈ આવે તથા તારા અને તેમના માટે સંતોષજનક હોય અને તે રહેમત સાથે બીજી રહેમતો જોડાયેલી હોય.

 

 

અય અલ્લાહ ! દરેક યુગમાં તુએ તારા દીનની એક ઈમામ થકી મદદ કરી છે જેને તુંએ તારા બંદાઓ માટે નિશાની (અલમ) તરીકે નિમણુક કરી છે અને તારા મુલકમાં પ્રકાશના મિનારા કરાર આપ્યા છે. અને જયારે તુંએ તેમનાથી વાયદો (અદ) નક્કી કરી લીધો તો તેમને તુંએ તારા ખુશી માટે વસીલો કરાર આપ્યો અને તેમની ઇતાઅત (લોકો ઉપર) ફરજિયાત (વાજિબ) કરાર આપી તથા તેમની નાફરમાની ન કરવાની લોકોને ચેતવણી આપી.

 

 

તેમનો હુકમ માનવાની તુંએ (લોકોને) હુકમ કર્યો તથા તેમની મનાઈ ફરમાવેલી વસ્તુઓથી બચવાનો અને એ કે પ્રગતિ કરવામાં તેમની આગળ વધવાની કોઈ કોશિશ ન કરે તથા આગળ વધનારા તેમની બહુ પાછળ ન રહી જાય. તેથી, છાંયો શોધનારા માટે તે છત્રછાયા છે, સાચા મોમીનોના તે રક્ષક છે, નેક બંદાઓના તે મદદગાર છે અને જગતના લોકો માટે નૂર (પ્રકાશ-હિદાયત) છે.

 

 

અય અલ્લાહ ! તેથી, તેમના થકી તુંએ અમને જે નેઅમતો અતા કરી છે તેના માટે તારા વલી (ઈમામ અલવ્હિસ્સલામ) ઉપર શુક્રની તૌફીક નાઝિલ કર અને તેવો જ શુક્ર અદા કરવાની પ્રેરણા અમને પણ અતા કર, કારણ કે તેઓ અમારા ઈમામ છે. તારી બારગહામાંથી તેમની સત્તાને મદદ અતા કર, તેમના માટે વિજય મેળવવો સહેલ કરે, બહુ જ આદરણીય મદદથી તેમની સહાયતા કર, તેમની પીઠ મજબૂત બનાવ, તેમના બાવડાઓને શક્તિ અતા કર, તારી નજર થકી તેમની સંભાળ લે,

 

 

તારી સુરક્ષા થકી તેમની દેખરેખ કર, તારા ફરિશ્તાઓ થકી તેમની મદદ કર અને તારા સર્વોતમ વિજયી લશ્કર થકી તેમની મદદ કર. તેમના થકી તારી કિતાબ, તારી શરીઅત, તારી હદો તથા તારા રસૂલ (સલ્લલ્લાહો અલમ્હે વ આલેહી વસલ્લમ)ની સુન્નતો કાયમ કર.

 

 

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલમ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર, તેમના થકી તારા દીનની નિશાનીઓને સજીવન કર જેને જુલમગારોએ નાબૂદ કરી નાખી હતી, તારી રાહ ઉપર ચડી ગયેલા કાટને તેમના થકી દૂર કર, તેમના થકી રાહુ ઉપરની મુશ્કેલીઓ દૂર કર, તેમના થકી તારી રાહુ ઉપરથી ગુમરાહ થઈ ગયેલાને દૂર કર,

 

 

જે લોકો તારી રાહ ઉપર ચાલવામાં વિરોધ કરે છે તેઓને તેમના થકી નાશ કર; તારા દોસ્તો માટે તેમનું દિલ નમ્ર બનાવ, તારા દુશ્મન વિરૂધ્ધ તેમને હાથ ઉગામવાની તૌફીક અતા કર અને અમારા ઉપર તેમને મહેરબાન, નમ્ર ખુશ અને દયાળુ થવાની તૌફીક અતા કર. અમને તેમની વાત તથા માનવાની (ઇતાઅત સાંભળવાની તથા કરવાની) તૌફીક અતા કર, અમને તેમની ખુશી મેળવવા માટે કોશિશ કરવાની તૌફીક અતા કર જેથી તારી બારગાહમાં અમે પહોચી શકીએ અને તારા રસૂલ (સલ્લલ્લાહો અલમ્હે વ આલેહી વસલ્લમ) સમક્ષ હાજર થઈ શકીએ.

 

 

અય અલ્લાહ ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલમ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલના દોસ્તો ઉપર રહેમત નાઝિલ કર જેઓ તેમના દરજજાને ઓળખે છે (માને છે), તેઓની રાહ ઉપર ચાલે છે, તેઓને માર્ગ ઉપર વધે છે, તેમને (ઈમામ અલવ્હિસ્સલામ)ને વળગેલા છે, તેમની દોસ્તોથી બંધાઈ ગયા છે, તેમની ઈમામતને અનુસરે છે, તેમના હુકમોનું પાલન કરે છે, તેમની ઇતાઅત કરવાની કોશિશમાં (હંમેશા) રહે છે, તેમના હુકમની રાહ જોતા હોય છે અને આગળ તેમની તરફ તેઓની આંખોની મીટ મંડાયેલી હોય છે,એવી રહેમત જે ફળદ્રુપ, પાક,વૃદ્ધિ પામનારી તથા સવાર-સાંજ એક પછી એક આવનારી હોય, અને તેમને તથા તેમની રૂહોને સલામતી અતા કર. તેઓના ઈરાદાઓને પરહેઝગારીમાં મક્કમ કરાર આપ, તેઓની હાલતમાં લાભદાયી સુધારો અતા કર અને તેઓની તોબા કબૂલ કર.

 

 

નિ:શક, તું તૌબાનો મહાન કબૂલ કરનાર છે, રહીમ છે અને મગફેરતનો શ્રેષ્ઠ અતા કરનાર છે. તારી રહેમત થકી અમને તેમની સાથે સલામતીના રહેઠાણમાંજગા ઇનાયત ફરમાવ, અય સૌથી વધારે રહેમ કરનાર!

 

 

અય અલ્લાહ ! આજ અરફાતનો દીવસ છે, એ દિવસ કે જેને તુંએ માનનીય, આદરણીય અને સર્વોચ્ચ કરાર આપ્યો છે જેમાં તુંએ તારી રહેમત ફેલાવી દીધી છે, જેમાં તું મગફેરત અતા કરે છે, જેમાં તું તારી સુંદર નેઅમતો અતા કરે છે અને તારા બંદાઓ ઉપર તારા ફઝલો-કરમ અતા કરે છે.

 

 

અય અલ્લાહ ! હું તારો એ બંદો છું જેને તુંએ ખલ્ક કર્યા પહેલા તારી નેઅમતો અતા કરી અને ખલ્ક કર્યાં પછી પણ; આમ તુંએ તેને એવો બનાવ્યો જેની તુંએ તારા દીનની તરફ હિદાયત કરી, તારા હુકમની ફરમાબરદારી કરવાની તૌફીક અતા કરી, તારી સુરક્ષા થકી તેને તુંએ રક્ષણ અતા કર્યું, તારા લશ્કરમાં તેનો શુમાર કર્યો અને તારા દોસ્તોથી મોહબ્બત કરવાની તથા તારા દુશ્મનોથી નફરત કરવાની તૌફીક અતા કરી.

 

 

ત્યાર પાછી, તુંએ તેને હુકમ ફરમાવ્યો અને તેણે નાફરમાની કરી, તુંએ તેને મનાઈઓ ફરમાવી અને તે અટકયો નહીં, તારા હુકમની નાફરમાની કરવાની તુંએ તેને મનાઈ ફરમાવી અને તે અટકયો નહિં, તારા હુકમની નાફરમાની કરવાની તુંએ તેને મનાઈ ફરમાવી અને તેણે તારા હુકમની નાફરમાની કરી તથા એ જ કર્યું જેની તુંએ મનાઈ ફરમાવી હતી,

 

 

એ રીતે નહિં કે તેણે તને દુશ્મન જાણ્યો તથા એમ પણ નહિં કે એ તારી વિરૂધ્ધ હતો પણ કારણ કે તેને તુંએ જેનાથી રોકયો હતો તથા જેના વિષે તુંએ તેને ચેતવણી આપી હતી તે માટે તેની ઇચ્છાઓએ તેને આમંત્રિત કાર્યો તથા તારા અને તેના દુશ્મને (શેતાને) તેમાં તેની મદદ કરી અને તેણે તે કરવાની કોશિશ કરી, જો કે તે તારી ચેતવણી (વાયદો) જાણતો હતો પણ તારી મગફેરતનો આશાવાદી હતો અને તારી મગફેરત ઉપર વિશ્વાસ કરી બેઠો. તુંએ તેને તારી જ નેઅમતો અતા કરી છે એ દ્રષ્ટિએ તેને એ જ છાજતું હતું કે તેણે તેમ ન કર્યું હોત.

 

 

મારી તરફ જો, હું અહી તારી બારગાહમાં હાજર છું, નમ્ર, તુચ્છ, દુઆગીર રૂદિત તથા ભયભીત અને મારા ભયંકર ગુનાહોની કબૂલાત કરતો જેનો મારા ઉપર બોજ છે તથા એ ભૂલોની જે મેં કરી છે; તારી બારગાહમાં મગફેરત શોધતો, તારી રહેમતમાં શરણ માટે પોતાને હાજર કરવા, એજ વિશ્વાસ રાખીને કે તારાથી મને કોઈ બચાવનાર બચાવી નહિં શકે અને તારી બારગાહમાં (તારા સિવાય) કોઈ રક્ષણહાર મારૂં રક્ષણ નહિં કરી શકે. તેથી, મને એ રક્ષણ અતા કર જે રક્ષણ તું તારી બારગામાં હાથ ઊંચા કરનારને અતા કરે છે. મને એવી મગફેરત અતા કર જેવી મગફેરત તારાથી આશા રાખનારા માટે અતા કરવી તું કંઇ જ અધરૂં નથી જાણતો.

 

 

આ દિવસે એ હિસ્સો અતા કર જેના થકી હું તારી ખુશીનો મારો હિસ્સો પ્રાપ્ત કરી શકું અને મને તારી બારગાહમાં એ અતા કર્યો વગર પાછો ન જવા દે જે તું તારા એવા બંદાઓને અતા કરે છે જેઓ તારા મુતીઓ-ફરમાબરદાર બંદાઓ છે. નિ: શંક, હું તારી બારગાહમાં એવા સારા અમલો લઈને હાજર નથી થયો જેવા સારા અમલો તેઓ લઈ આવ્યા છે, છતાં હું ફક્ત તારી તૌહીદ, તારો કોઈ વિરોધી નથી, તારી બરાબર અને તારા જેવો બીજો કોઈ નથી, એ માન્યતા લઈને હાજર થયો છું.

 

 

તથા એ માર્ગથી જે માર્ગ થકી તારી પાસે પહોચવાનો તુંએ હુકમ કર્યો છે. હું તારી બારગાહમાં એ લઈને હાજર થયો છું જેના વગર તારા સુધી પહોચી નથી શકાતું અને પછી એમાં તારી બારગાહમાં મારી તોબા, મારી નમ્રતા તથા તુચ્છતા અને તારા વિષે સારો મત તથા તારી પાસે જે કંઇ છે તેના ઉપર મારો વિશ્વાસ પણ છે. આ બધું હુંએ મારી આશામાં પરોવીને રાખ્યું છે અને જે કોઈ એમ કરે છે તે તારી બારગાહમાં કદાચિત જ નિરાશ થાય છે.

 

 

હું તારી બારગાહમાં એ (મનુષ્ય-બંદા)ના જેવી દુઆ કરૂં છું જે તિરસ્કારને લાયક છે, બદનામ છે, કંગાળ છે, મોહતાજ છે, ડરપોક છે અને આશ્રય શોધી રહ્યો છે; અને એવી રીતે દુઆ કરૂ છું કે હું ભયભીત છું, નમૂ છું, સંરક્ષણની તલબ કરૂ છું અને આશ્રય માટે વિનંતી કરૂ છું; (મારી આ દોઆમાં) ધંમડીઓના અભિમાનનું મિશ્રણ નથી, મુતીઅ-ફરમાબરદારોનો ગર્વ સમાયેલો નથી અમે મધ્યસ્થી કરનારાઓની મધ્યસ્થીના કારણે દાવેદાર પણ નથી.

 

 

છેવટે, નાનાઓમાં હું સૌથી નાનો છું, તુચ્છ લોકોમાંથી સૌથી વધારે તુચ્છ અને એક અણુ જેવો અથવા તેનાથી પણ વધારે હલકો છું.

 

 

તેથી, અય તું ! જે બદકારોને સજા કરવામાં જલદી નથી કરતો અને જેઓ સંતોષિત છે તેને તારી નેઅમતો અતા કરવાનું રોકતો પણ નથી. અય તું ! જે ભૂલ કરનારને મગફેરત અતા કરે છે અને ગુનેહગારોને (સુધારવાની) મોહલત અતા કરે છે, હું કબૂલ કરૂ છુ કે હું એ બદકારી કરી છે, હુંએ ગુનાહ કર્યાં છે, હુંએ ભૂલો કરી છે હું એ છું જેણે તારા હુકમની સાહસિક રીતે નાફરમાનીકરવાની કોશિશ કરી છે,

 

 

હું એ છું જેણે જાણી જોઈને તારા હુકમનું પલાન નથી કર્યું. હું એ બંદો છું જેણે તારા બંદાઓથી (પોતાની ભૂલો તથા ગુનાહ) ખાનગી રાખ્યા તથા તારી નજર સમક્ષ પરિણામ આપ્યા, હું એ છું જેણે તારા બંદાઓની બીક રાખી તથા તારાથી પોતાને સુરક્ષિત સમજી બેઠો અને હું એ બંદો છું જેણે તારી શક્તિનો ડર ન રાખ્યો તથા તારા ક્રોધથી ભયભીત ન રહ્યો. મારા નફસ માટે હું જ દોષિત છું, મારી સજાનો જવાબદાર પણ હું જ છું,

 

 

હું બહુજ થોડી શક્તિનો ધરાવનાર તથા અતિશય દુ:ખનો માર્યો છું. હું તને તેમના વાસ્તા આપું છે જેને તુંએ તારી મમ્બૂકમાંથી ખાસ ચૂંટ્યા છે, તેમના વાસ્તા જેમને તુંએ તારા માટે ખાસ ચૂંટ્યા છે, તેમને વાસ્તા જેમને તુંએ તારી મમ્બૂકમાંથી ખાસ નીમ્યા છે અને જેમને તુંએ તારા સંદેશ માટે પસંદ કર્યો છે; તને હું તેમના વાસ્તા આપું હું છું જેમના હુકમની ફરમાબરદારી તુંએ તારી ફરમાબરદારીની બરાબર લેખી છે,

 

 

તેમના વાસ્તા જેમની નાફરમાની તુંએ તારી નાફરમાનીની બરાબર કરાર આપી છે, તેમના વાસ્તા જેમની મોહબ્બત થકી તારી નજીક (કુરબત) પામી શકાય છે અને તેમના વાસ્તા જેમની દુશ્મની તારાથી દુશ્મની કરવા બરાબર છે કે મારા જીવનના આ દિવસે મને સુરક્ષા અતા કર, એવી જ રીતે જેવી રીતે તું એને સુરક્ષા અતા કરે છે જે તને પોકારે છે, એમ કહીને કે હવે તે ગુનાહોથી પરહેઝ કરશે અને તોબા કરીને મગફેરતની તલબ થકી તારી સુરક્ષા ઈચ્છે છે.

 

 

મારી સાથે એવો વર્તાવ કર જેવો વર્તાવ તું તારા મુતીઓ-ફરમાબરદાર બંદાઓ સાથે કરે છે તથા એ બંદાઓ સાથે જેઓ તારી નજીક છે અને જેઓ તારી નજરમાં ઉચ્ચ દરજ્જો ધરાવે છે.મને એવો દરજ્જો અતા કર જેવો દરજજો તું તારા એ બંદાઓને અતા કરે છે જેઓએ તારા હુકમનું પાલન કર્યું, ફકત તારી રાહમાં તારી જ ફરમાબરદારી કરી અને જાતે તારી ખુશી માટે જેહાદ કર્યાં.

 

 

તારી ઈબાદત કરવામાં મારી ખામીઓ માટે મારી પૂછપરછ ન કર, તારી હદો ઓળંગી જવા બદલ અને તારા હુકમોનું પાલન ન કરવા બદલ પણ. મને તારી ભરપૂર નેઅમતો અતા કરીને મારી એ રીતે ધરપકડ ન કર જેવી રીતે તું એ બંદાની ધરપકડ કરે છે જેણે તારી અતા થયેલી નેઅમતોનો મને લાભ ન પહોચાડ્યો અને તારી નેઅમતો જયારે મારા ઉપર નાઝિલ થઈ ત્યારે તેણે પોતાની નેઅમતો થકી તારા કાર્યમાં મારી સાથે જોડાયો નહિં.

 

 

મને ગાફિલોની નીંદરમાંથી જગાડ, ખર્ચાળની ઊંધમાંથી અને એવી બેશુદ્ધિમાંથી જે બેશુદ્ધિવાળાને તું તરછોડી મૂકે છે. મારા દિલની એ તરફ હિદાયત (દોરવણી) કર જે તરફ તુંએ તારી ઇબાદત કરવાવાળાઓની હિદાયત કરી અને એવી ઈબાદત કરવાની તૌફીક અતા કર જેવી ઈબાદત તારા નેક બંદાઓ કરે છે તથા જેવી ઈબાદત થકી તું આળસુ (બેદરકાર) લોકોને બચાવી લે છે. મને એ (કર્યો)થી સુરક્ષા (પનાહ) અતા કર જેના થકી તારાથી દૂર થઈ જવાય છે.

 

 

તારી બારગામાંથી મારા માટે જે હિસ્સો નિર્માણ થયો છે તેના અને મારા વચ્ચે તું મધ્યસ્થી કર. મારી(મારા નફસની) નાજાએઝ ઈચ્છાઓ તારી બરગાહમાં તલબ કરવાથી મને રોકી લે. તારી બારગાહમાં નેક બનીને હાજર થવામાં અને તારા હુકમ પ્રમાણે નેકીઓમાં હરીફાઈ કરી આગળ થવામાં તથા તારી ઈચ્છા મુજબ તે બાબતમાં પૂરતી કોશિશ કરવામાં મારી મદદ કર. મને એવા લોકોની જેમ તબાહ ન કર જે લોકો તારી ચેતવણી કંઈ ગણના નથી કરતા અને તુંએ તેઓને તબાહ કરવાને હુકમ નિર્ણય કર્યો છે. મને એવા લોકો જેમ હલાક ન કર જેઓએ પોતાને તારા કોધમાં સપડાવ્યા અને તુંએ તેઓને હલાક કરવાનો નિર્ણય કર્યો.

 

 

મને તે લોકોની સાથે નાબૂદ ન કર જેઓ તારી રાહથી વિમુખ થયા અને તેઓએ તુંએ નાબૂદ કરવાનું ઠરાવ્યું, મને લાલચના (તથા ફસાદના) પંજામાંથી નજાત અતા કર, મને મુસીબતના મોઢામાંથી છોડાવ અને ભરપૂર નેઅમતો અતા કરીને મારી ધરપકડ થવાથી મને બચાવ. મારા અને મારા એ દુશ્મન વચ્ચે મધ્યસ્થી કર જે મને ગુમરાહ કરી શકે છે, એ હવસ વચ્ચે જે મને તબાહ કરી શકે અને એ ખામી (ભૂલ) વચ્ચે જે મને નબળો કરી નાખે છે.

 

 

મારાથી તું એવી રીતે વિમુખ ન થઈ જાય જેવી રીતે તું તેનાથી વિમુખ થઈ જનાર છે જેના ઉપર તારા ક્રોધના કારણે તેનાથી તું રાજી થનાર નથી. મને તારી બરગાહમાં નાઉમેદ ન કર જેથી તારી રહેમત મેળવવાની નાઉમેદી મને અશક્ત ન બનાવી દે (મારા ઉપર ગાલિબ ન થઈ જાય).મને તારી એવી નેઅમત ન અતા કર જેનો ભાર ઊપાડવાની મારામાં શક્તિ ન હોય કારણ કે નહિં તો તારી વધારે પડતી મોહબ્બત થકી તારી અતા થયેલી નેઅમતો તળે હું કચડાઈ જઇશ.

 

 

મારાથી તારો હાથ એવી રીતે ન છોડાવી લે જેવી રીતે તું એનાથી હાથ છોડાવે છે જેનામાં કંઈ જ સારપ નથી, જેની તને જરૂર નથી અને જેના માટે તોબા છે જ નહિં, મને તું એવી રીતે રદ ન કર જેવી રીતે તું એને રદ કરે છે. જે તારી નજરમાંથી પડી ગયો છે અને તુંએ તેને ઝલીલ (બદનામ) કર્યો છે. નહિં, તું મારો હાથ એવી રીતે ઝાલી લે જેથી હું તબાહ થનારાઓની જેમ તબાહ થતાં બચી જાઉં, ગુમરાહ લોકોની જેમ બેદરકાર ન બનું, ધમંડીઓ જેવી ભૂલ ન કરૂ અને લાક થનારાઓના નસીબ જેવા નસીબથી બચી જાઉં.

 

 

મને એ વસ્તુથી સુરક્ષા અતા કર જેના થકી તું તારા બંદાઓની તથા જુદી-જુદી જાતિઓમાં સ્ત્રી-પુરૂષોની પરીક્ષા કરે છે. મને એ લોકોની મંઝિલ સુધી પહોંચવાની તૌફીક અતા કર જેઓને તુંએ ચૂંટ્યા છે, તેમને તારી નેઅમતો અતા કરી છે અને જેઓથી તું રાજી થયો છે જેથી તેઓ પ્રશંસાપાત્ર જીવન વિતાવી શકાય અને તેઓ ભાગ્યશાળી બનીને મુત્યુ પામ્યા. મારા ગળામાં પરહેઝગારીની તોક પહેરાવ જેના થકી સારા અમલો રદ થતા બચી શકે અને બરકતો છીનવી લેવામાં ન આવે.

 

 

મારા દિલની હિદાયત કર જેથી તે બદકારીની ખરાબીથી તથા ગુનાહોની બદનામીથી પરહેઝ કરે. મને એવી સફળતા મેળવવામાં મગ્ન રહેવાથી પરહેઝગારી અતા કર જે તારી બારગાહ સિવાય બીજા કોઈ પાસેથી મેળવવાની હોય જેથી કયારેક હું એ પણ ત્યજી ન દઉં જેના સિવાય બીજી કોઈ સફળતા થકી તને મારાથી રાજી નથી કરી શકાતું.

 

 

મારા દિલમાંથી આ તુચ્છ દુનિયાનો મોહ નાબૂદ કર જે મને એ પામવામાં રૂકાવટ બને છે જે તારી બરગાહમાં પ્રાપ્ત થઈ શકે છે અને તારી નજીક (કુરબત) પામવાથી દૂર રાખે છે તથા તારી નજીક થવાનું ભૂલાવી દે છે. મને એકલતામાં તારી બારગાહમાં મુનાજાત કરવાની હોશ અતા કર, મને દિવસ અને રાતે એવી પવિત્રતા ઇનાયત ફરમાવ જેના થકી તારો ક્રોધ હંમેશા ધ્યાનમાં રહે, મને મોટા ગુનાહોની પકડમાંથી મુક્તિ અતા કર, મને નાફરમાનીના ધબ્બાથી શુદ્ધિ અતા કર, મારામાંથી ભૂલોની ખરાબીઓને દૂર કર, તારી સુરક્ષાની ચાદરથી મને ઢાંકી દે, તારી અતિ સંપૂર્ણ નેઅમતોનો પોશાક મને પહેરાવ અને મને તારી ભલાઈ થકી શક્તિ અતા કર.

 

 

તારી રહેમત અને હિદાયત થકી મારી મદદ કર; સારી નિય્યતો રાખવામાં, સત્ય બોલવામાં અને સારા કાર્યો કરવામાં મારી મદદ કર. તારી સત્તા તથા શક્તિના આધારના બદલે તું મને મારો પોતાની સત્તા તથ શક્તિના આધારે ન મૂકી દે. તારી બારગાહમાં જેદિવસે તું મને ફરી સજીવન કરે ત્યારે મને નામોશ ન કર, તારા દોસ્તો સમક્ષ મને શરમજનક પરિસ્થિતિમાં ન મૂક અને એવી તૌફીક અતા કર જેથી હું તને ભૂલી ન જાઉં તથા તારો શુક્ર અદા કરવાનું ત્યજી ન દઉં તથા ભૂલી ન જાઉં તથા તારો શુક્ર અદા કરૂં જયારે ક ગાફિલ રહેનાર અજ્ઞાની લોકો તારા એહસાનોને ભૂલી જાય છે.

 

 

તુંએ મને જે કંઇ અતા કર્યું છે તેના માટે અને મારા ઉપર જે રહેમ ફરમાવ્યો તે બદલ તારા વખાણ કરવાની મને પ્રેરણા અતા કર. તારી પ્રત્યે મારી મોહબ્બતને બીજા મોહબ્બત કરનારાની મોહબ્બત કરતા અને (મારા તરફથી) તારા વખાણ બીજા વખાણ કરનારના વખાણ કરતા ઉચ્ચ કરાર આપ.

 

 

જયારે મને તારી મદદની જરૂર હોય તે પ્રસંગે મને ત્યજી ન દે અને મેં જે કંઇ પણ તારી નાફરમાની કરી છે તે બદલ તારી બારગાહમાં મને હલાક ન કર; મને મારા મોઢા ઉપર થપ્પડ ન લગાવ જેવી રીતે તારી બારગાહમાં બળવાખોરોને થપ્પડ લાગે છે કારણ કે હું તારી બારગાહમાં ઇસ્લામ તસલીમ કરૂં છું, હુંએ જાણી લીધું છે કે હુજજત તારી તરફેણમાં છે અને તું જ શ્રેષ્ઠ ફઝલ અતા કરનાર તથા વારંવાર એહસાનો કરનાર છે. તું એ શક્તિ છે જેનો ડર રાખવો જોઈએ અને તું જ મગફેરત અતા કરનાર છે. તું વધારે કરીને (ભૂલોને) છુપાવનાર છે એના કરતા કે તું તેની જાહેરાત કરે.

 

 

તેથી, મને એવી જ પવિત્ર જિંદગી જીવવાની તૌફીક અતા કર જેમાં મારી બધી ઈચ્છાઓ સમાયેલી હોય અને મને જે ગમે છે તે હું મેળવી શકું, એવી રીતે કે હું એવા કામો ન કરૂં જેને તું નાપસંદ કરે છે એવા કામો પણ ન કરૂં જેની તુંએ મનાઈ કરી છે. મને એવા મનુષ્યની મૃત્યુ જેવી મૃત્યુ ઈનાયત ફરમાવ જેણે પ્રકાશ તેની આગળ અને તેના જમણા હાથ તરફ પ્રસરેલો હોય છે.

 

 

તારી બારગાહમાં મને નમ્રતા અતા કર, તારી મમ્બ્લક સમક્ષ મને ઈજજત અતા કર, જયારે પણ તારી બારગાહ હું એકલો હોઉં ત્યારે મને તુચ્છ બનવાની તૌફીક અતા કર એ તારા બંદાઓ વચ્ચે મારો દરજ્જો ઉચ્ચ કરાર આપ.મને એનાથી નિરાધાર બનાવ જે મારાથી નિરાધાર (પણ તારાથી નિરાધાર નથી) અને તારી બારગાહમાં મારી જરૂરતો તથા આવશ્યકતાઓમાં વધારો કર.

 

 

મને દુશ્મનોની ધમકીઓથી, મુસીબતોમાં ગિરફતાર થવાથી, બદનામી અને દુ:ખથી પનાહ અતા કર. મારા ચાલચલણની બાબતમાં, જે તું જાણે છે,મને એવા પડદાથી છુપાવી દે જે પડદાની સાથે ધરપકડની પણ શકયતા છે જો હું સહનશીલ ન બનું અને ગુનાહ કરવામાં ઉતાવળ કરી હોય તો મારી ધરપકડ થઈ શકે છે (એવો ભય પણ રહે).

 

 

હું તારી પનાહ તલબ કરૂં છું કે જયારે તું કોઈ કોમની પરીક્ષા કરે અથવા સજા કરે ત્યારે મને બચાવ. જયારે તુંએ મને આ દુનિયામાં નામોશી ભરી પરિસ્થિતિમાં ગિરફતાર નથી કર્યો તો આખેરતમાં પણ મને તેવી પરિસ્થિતિમાં ન મૂક. મારી ઉપર તુંએ અત્યાર સુધી જે એહસાન કર્યો છે તેવાજ વારંવારના એહસાનો અને પહેલાની રહેમતો જેવી નવી રહેમતો મારા માટે બમણી કર.

 

 

મારા ઉપર ચિંતાનો બોજ એટલો ન વધાર કે મારૂં દિલ કઠોર બની જાય, મને એવી મુસીબતમાં ગિરફ્તાર ન કર જેના થકી મારૂં માન ધટી જાય, મને એવી બદનામીમાં ગિરફ્તાર ન કર જેના થકી મારી ઈજ્જત જતી રહે અને એવો કલંક ન લગાવ જેના કરણે મને (લોકો થકી) તરછોડવામાં આવે. મારા ઉપર તારો એવો ગઝબ (અઝાબ) નાઝિલ ન કર જે મને નાઉમેદ કરી મૂકે અને એવો ડર પણ નહિં જે મને (બેહુદ) ભયભીત કરી મૂકે.

 

 

મને તારી ચેતવણીથી ભયભીત બનાવ, તારી હુજ્જતની સંપૂર્ણતા અને ચેતવણીની બીક અતા કર તથા તારી આયતોની તિલાવત થકી ડર અતા કર, હું રાતના સમયોમાં જાગૃત રહીને તારી ઈબાદતમાં મગ્ન રહું તથા એકલો હોઉં ત્યારે તારી બારગાહમાં દુઆ કરું, મારી જરૂરતો તારી બારગાહમાં રજૂ કરૂં અને તારી આગથી મારી ગરદનને નજાત અતા કરવા માટે તારી બારગાહમાં દુઆ કરતો રહું એવી તૌફીક અતા કર તથા તારી એ સજાથી મને બચાવ જે સજા જહન્નમી લોકો ભોગવે છે.

 

 

મારી જવાબદારીમાં હું આંધળો ન બની જાઉં અને મરણ પામું ત્યાં સુધી (તારાથી અને લોકોથી) અળગો ન પડી જાઉં. જેઓ ચેતવા ઈચ્છે છે તેઓ માટે મને ચેતવણીનો નમૂનો કરાર ન આપ, જેઓ (તારી સજાથી) સાવચેત રહે છે તેઓ માટે મને સજાઓનું ઉદાહરણ કરાર ન આપ તથા અભ્યાસ કરનારાઓ માટે મને આકર્ષણ કરાર ન આપ.

 

 

તું જેઓને બેદરકાર છોડી મૂકે છે તેઓના જેવો બેદરકાર મને ન બનાવ, મારા સ્થાને બીજાની નિમણૂક ન કર, મારૂં નામ ન બદલ, મારા શરીરમાં (બીમારી થકી) ફેરબદલ ન કર, તારી મમ્બ્લક સમક્ષ મારી મશ્કરી ન થવા પામે, તારી બારગાહમાં મને અપમાનિત ન કર, તારી ઈચ્છા વિરૂધ્ધ મને

 

 

કોઈપણ બીજી વસ્તુનું અનુસરણ કરનાર ન બનાવ તથા તારી રાહમાં બદલો લેવા સિવાય મને બીજા કોઈ પણ કામમાં કાર્યગ્રસ્ત ન બનાવ. મને તારી મગફેરત લાગણી અંત:કરણથી ઠંડક અતા કર; તારી રહેમતની મીઠાશ, તારા તરફથી સુખ,તારો દિલાસો અને તારી નેઅમતોનો બાગ અતા કર તારા અખૂટ ખજાનામાંથી મને ચિંતાથી મૂક્તિનો સ્વાદ અતા કર જેથી હું એવા કામમાં મગ્ન રહું જે તને પસંદ છે અને મારી કોશિશો એવી હોય જે મને તારી નજીક લઈ આવે તથા મને તારી બારગાહ સુધી પહોચાડે.

 

 

મને તારા તોહફાઓમાંથી તોફો અતા કર, મારી તિજારતને નફાકારક બનાવ અને મારા નફાને નુકસાન વગરનું બનાવ. મને તારી સત્તાનો ડર અતા કર અને તારી મુલાકાત માટે ઉત્સુક બનાવ. મારી તોબને પ્રમાણિકતા અતા કર અને તારી બારગાહમાં તે કબૂલ કર જેથી તું મારા કોઈ નાના કે મોટા ગુનાને માફ કર્યાં વગરનો ન રહેવા દે તથા જેના થકી તું મારી દરેક જાહેર તથા છૂપી ખરાબીઓને દૂર કરે.

 

 

મારા હૈયામાંથી સાચા મોમીનો પ્રત્યેની નફરતને નાબૂદ કર અને નમ્ર લોકો પ્રત્યે મારા દિલને કોમળ બનાવ તથા મારી સાથે એવો વર્તાવ કર જેવો વર્તાવ તું નેક લોકો સાથે કરે છે. મને સાલેહ બંદાઓનો શણગાર અતા કર, સત્યવાદી ગુજરી જનારાઓમાં મારો શુમાર કર અને આવતી પેઢી માટે મારી યાદ કાયમ કર તથા પાછળના નેક લોકોમાં મારો શુમાર કર. મારા ઉપર તારી નેઅમતો સંપૂર્ણ કર, તેના લાભો મને હંમેશા અતા કર, તારા તરફથીફાયદાઓ થકી મારા બંને હાથ ભરી દે અને તારી સુંદર ભેટોને મારી દિશામાં મોકલ.

 

 

મને એ જન્નતમાં તારા સૌથી પવિત્ર દોસ્તોનો પાડોશ બનાવ જેને તુંએ તારા ખાસ ચૂંટેલા બંદાઓ માટે શણગારી છે અને મને તારા દોસ્તો માટે ફાળવવામાં આવેલા રહેઠાણમાં માનનીય તોહફાઓનો પોશાક અતા કર. તારી નજીક મને એવો આરામગૃહ અતા કર જેમાં હું સંતોષ પામીને નિવૃત થઈ શકું અને એવો વિરામગૃહ (અતા કર) જેમાં હું આરામ કરી શકુ તથા મારી આંખોને ઠંડી કરી શકું.

 

 

મારા મોટા ગુનાહો થકી મારી ગણના ન કર અને મને એ દિવસે હલાક ન કર જયારે ખાનગી કાર્યો તપાસવામાં આવે, દરેક સંદેહ અને અનિશ્ચિતતાથી મને બચાવ (મારાથી દૂર કર) અને તારી રહેમત થકી દરેક દિશોઓથી સચ્ચાઈ તરફ મારો માર્ગ સહેલો બનાવ. તારી ભલાઈ (દયા) થકી મારા માટે નેઅમતોના હિસ્સામાં વધારો અતા કર અને તારી ઉદારતા થકી મારા માટે એહસાનોના ફાળાને કિંમતી બનાવ.

 

 

તારી પાસે જે કંઇ છે તેના ઉપર જ મારૂં દિલ આધાર રાખે એવી તૌફીક અતા કર અને તને જે પંસદ છે તે બજાવી લાવવાથી મને ચિંતા મુક્ત બનાવ તથા મને એ કાર્યોમાં મગ્ન રહેવાની તૌફીક અતા કર જેમાં તારા ચૂંટેલા બંદાઓ મગ્ન રહે છે. અમારી મગજશક્તિ જયારે ગફલત કરે ત્યારે મારા દિલને તારા હુકમોની યાદથી ભરી દે અને મને ગુણવતા, પવિત્રતા, આરામ, સલામતી, તંદુરસ્તી, તવંગરી, શાંતિ અને સુરક્ષા અતા કર.

 

 

મારા નેક અમલોને તેની સાથે તારા હુકમોની નાફરમાની ભરેલા કૃત્યો હોવાને કારણે રદ ન કર. અને તારી પરીક્ષા તરીકે મારા એકાંતના સમયમાં આવતા ખરાબ વિચારો થકી મારૂં નુકશાન ન કર.

 

 

દુનિયાના લોકોમાંથી કોઈ પાસે પણ માગવાથી મારા સ્વમાનને બચાવ અને દુર્જન લોકો પાસેથી મારી હાજત તલબ કરવાથી મને રોકી લે. તારી કિતાબને રદ કરવામાં હું જુલમગારોનો તરફદાર (મદદગાર) ન બનું, તેમનો સહાયક ન બનુ અને તેમની મદદ ન કરૂં (એવી મને તૌફીક અતા કર).

 

 

મને એવી હદોથી સાંકળી લે જે હું ન જાણતો હોઉં અને મને (તારા તરફથી) મારી સુરક્ષા અતા થાય. તારી બરગાહમાં મારા માટે તોબના તથા તારી રહેમતના, તારા એસાનના તથા ભરપૂર રોજીના દ્વાર ઉધાડા કર મારા માટે તારી જઝા (ઇનામ) સંપૂર્ણ કર નિ:શંક, તું જઝાનો શ્રેષ્ઠ અતા કરનાર છે.

 

 

મને તારી ખુશી માટે મારી ભવિષ્યનિ જિંદગીમાં હજ અને ઉમરા બજાવી લાવવાની તૌફીક ઈનાયત ફરમાવ, અય કાએનાતના રબ (માલિક) ! હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલમ્હે વ આલેહી વસલ્લમ) અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર; તેમના ઉપર અને તેમની આલ ઉપર હંમેશાં માટે સલામતી નાઝિલ થાય.તારી રહમતની સાથે, અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર!