(૬૭) હાજત પૂરી થવા માટે નીચેના મોકાઓ ઉપર દુઆ જરૂર માંગો.
(સૂરા નં ૨૮ કસસ આયત નં ૨૪)
મારા અનુભવની વાત છે. ઇન્શાઅલ્લાહ કબૂલ થશે જ. (૧) જ્યારે પણ કોઇ નેક કામ તમારાથી અંજામ અપાય, ખાસ કરીને માનવ સેવાને લગતું હોય, ત્યારે આ દુઆ જરૂર માંગો. કારણકે અલ્લાહતઆલા નેકીનો બદલો જરૂર આપે છે.
(૨) કોઇ નવા મુલ્કમાં હલાલ રોજી કમાવાની શરૂઆત કરતાં અગાઉ આ દુઆ જરૂરથી માંગો.
(૩) કોઇ પણ હાજત પૂરી થવા માટે દરેક વાજીબ નમાઝ પછી સાત વખત આ દુઆ પઢો. આગળ પાછળ ત્રણ ત્રણ વખત સલવાત જરૂરથી પઢો.
رَبِّ إِنِّى لِمَآ أَنزَلْتَ إِلَىَّ مِنْ خَيْرٍ فَقِيرٌ
રબ્બે ઇન્ની લેમા અન્ઝલત એલય્ય મિન ખયરિન ફકીર.
અય મારા પરવરદિગાર! જે નેઅમત તું મારા માટે નાઝિલ કરે તેનો હું ખરેજ મોહતાજ છું
(સૂરા નં ૨૮ કસસ આયત નં ૨૪)
હલાકતના ખોફથી હુમે ખુદા સાથે ફિરઓનના મુલ્કની સરહદ વટાવીને હઝરત મૂસા(અલ.) મદાઇન પહોંચી ગયા. ખૂબ થાકેલા હતા. ચાલતાં, દોડતાં કલાકોના કલાકો ફિક્ર અને ચિંતા સાથે પસાર કર્યા પછી એક કૂવા પાસે આરામ કરવા રોકાયા. સાંજ પડવા આવી હતી. હઝરત મૂસા (અલ.) પાણી પીને કૂવાની પાસે બેસી ગયા. જોયું તો કેટલાક ગાયો ચરાવનારા પશુઓને પાણી પિવડાવી રહ્યા છે. થોડે દૂર બે યુવાન છોકરીઓ પોતાના ઘેટાં-બકરાં સાથે અલગ ખામોશ ઉભી હતી. પોતાના પશુઓને રોકી રાખતી હતી. પૂછવાથી ખબર પડી કે એમના બાપ ઘણા વૃદ્ધ છે. તેથી આ છોકરીઓને પશુઓને પાણી પીવડાવવા જાતે આવવું પડે છે. એમણે ત્યાં સુધી રાહ જોઇ ઉભા રહેવું પડશે જ્યાં સુધી આ બધા જ ચરવાહાઓ પોતાના ઢોરોને પાણી ન પીવડાવી લે.
આ સાંભળીને હઝરત મૂસા(અલ.) એ જાતે જ પાણી ખેંચી આ છોકરીઓના ઢોરોને પીવડાવ્યું. પછી ઉપરોક્ત દુઆ પઢ્યા.
આ છોકરીઓ ઢોરને પાણી પીવડાવી ઘેર પહોચી. તેમના પિતાજી હઝરત શોએબ(અલ.) નબી હતા, તેમણે પૂછ્યું.
“બેટા આજે તમે બહુ જલ્દી આવી?’’
ઉત્તર આપ્યો “બાબા આજે તો કોઇ નવયુવાન મુસાફરે અમારા ઘેટાં-બકરાંને પાણી પીવડાવ્યું.”
શોએબ(અલ.) :- બેટા ! તે મુસાફરને ઘેર બોલાવી લાવવા હતાને. જાવ બોલાવી લાવો. બેમાંથી એક દીકરી ગઇ. મૂસાને કહ્યું “ચાલો મારા અબ્બા તમને બોલાવે છે.’’ હઝરત મૂસા(અલ.) પેલી છોકરી સાથે ઘેર આવ્યા. રસ્તામાં હવા ફૂંકાતી હતી. છોકરી આગળ ચાલતી હતી. તેની ચાદર ઉડતી હતી. હઝરત મૂસા (અલ.)એ તેને કહ્યું કે તુ મારી પાછળ ચાલ અને મને રસ્તો બતાવ.
હઝરત મૂસા(અલ.) એ હઝરત શોએબ(અલ.)ને પોતાની વિતક ફિરઓનના ઝુલ્મ વગેરેથી વાકેફ કર્યા. હઝરત શોએબ(અલ.) એ કહ્યું “હવે તમે ચિંતા ન કરશો. આ મુલ્ક ઉપર ફિરઓનની હુકૂમત નથી.
પછી હઝરત શોએબ(અલ.) એ દસ વર્ષ સુધી ઘેટા-બકરાં ચરાવવાની સેવા આપવાની શરત સાથે પોતાની એક દીકરી હઝરત મૂસા(અલ.)ના નિકાહમાં આપી. સાથે થોડીક જમીન પણ ખેડવા આપી.
હઝરત ઇમામ જઅફર સાદિક(અલ.) એ જ્યારે ઉપરોક્ત ઘટના વર્ણવી તો એક સહાબીએ પૂછ્યું ‘મૌલા કઇ છોકરી સાથે હઝરત મૂસા(અલ.)ની શાદી થઇ?’’ ફરમાવ્યું “જે છોકરી હઝરત મૂસા(અલ.)ને બોલાવવા ગઇ હતી તેની સાથે.
કુરઆને પાકની ઉપરોક્ત દુઆ ઘણી જ ઉપયોગી છે. હાજત માટે અથવા વર્ણવેલા પ્રસંગોપાત. એને અચૂક માંગવામાં આવે. ઇન્શાઅલ્લાહ તમારૂં કામ ફતેહ થઇ જશે.